ગોંડલના ST બસ સ્ટેશન સામે અમૃત ગેસ્ટ હાઉસમાંથી ફૂટણખાનું ઝડપાયું
સિટી ન્યૂઝ@રાજકોટ
ગોંડલના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી ફૂટણખાનું ચલાવતા સંચાલક સહિત ત્રણ ઇસમોને ઝડપી લીધા છે. રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીના પીએસઆઈ એન. એચ. શુક્લ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલના અમૃત ગેસ્ટ હાઉસના બીજા માળે
કેટલાક શખ્સો પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારો ધંધો ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ બહારથી અલગ-અલગ મહિલાઓને બોલાવી ગેસ્ટ હાઉસના રૂમોમાં મોકલતા હતા અને ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી કમિશન મેળવતા હતા. પોલીસે સ્થળ પરથી સંચાલક ધર્મેશભાઈ મયાભાઈ ટોલીયા, હરેશ હનિક લિંબાસિયા, દશરથલાલ દિલીપલાલ રાઠોડને ઝડપી લઈને ગુનો નોંધી રૂ. ૧૫,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.