Loading Please Wait !!!
તરણેતર મેળામાં 24 કલાક સફાઈ વ્યવસ્થા ગોઠવાઈ

 

  • થાનગઢ પંથકમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં મેળો

  • 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં 60-60 કર્મચારીઓ ફરજ બજાવશે

  • દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટશે

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આવેલા પ્રસિદ્ધ તરણેતર ખાતે આગામી 14 થી 17 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાતો આ મેળો ભારતીય લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રાલંકારો, ભાતીગળ છત્રીઓ, રાસ-ગરબા અને ધાર્મિક શ્રદ્ધાનો અનોખો સંગમ છે. આ આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં દેશ-વિદેશથી લાખો લોકો આવતા હોવાથી તરણેતર ગ્રામ પંચાયતે શ્રદ્ધાળુઓને સ્વચ્છ વાતાવરણ આપવાનો સંકલ્પ કર્યો છે.

મેળામાં લોકોની સતત અવરજવરને ધ્યાનમાં રાખીને સફાઈ કાર્ય 24 કલાક અવિરત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તરણેતરના તલાટી-કમ-મંત્રી એચ.જી.જોગરાણાએ જણાવ્યું કે આ વ્યવસ્થા સુચારૂ રૂપે ચલાવવા માટે કુલ 180 તાલીમબદ્ધ સફાઈ કર્મચારીઓની ટીમ તૈયાર કરાઈ છે. આ કર્મચારીઓ મેળાના જુદા જુદા ઝોન, મુખ્ય રસ્તાઓ, ખાણી-પીણીના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળો અને મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં સ્વચ્છતા પર સતત નજર રાખશે.

સફાઈ અભિયાનમાં સાતત્ય જળવાઈ રહે તે માટે 24 કલાકને 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં વહેંચવામાં આવ્યા છે. દરેક શિફ્ટમાં 60-60 સફાઈ કર્મચારીઓ પૂરી નિષ્ઠાથી ફરજ બજાવશે. દિવસ દરમિયાન તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે પણ સફાઈ કામગીરી અવિરત ચાલુ રહેશે. કચરાને ઝડપથી ભેગો કરવા અને તેનો યોગ્ય નિકાલ કરવા માટે પણ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

વહીવટી તંત્રએ મેળાની ભવ્યતાની સાથે સ્વચ્છતા અને ઉત્તમ વ્યવસ્થાપનની અલગ છાપ ઊભી કરવાના પ્રયાસો કર્યા છે. આ સાથે જ ગ્રામ પંચાયત દ્વારા મુલાકાતીઓને અપીલ કરાઈ છે કે તેઓ કચરો જાહેર સ્થળોએ ન ફેંકે, કચરાપેટીનો ઉપયોગ કરે અને મેળા પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે.

સાંસ્કૃતિક વિરાસત અને સ્વચ્છતાનો સમન્વય

તરણેતરનો મેળો આપણી સમૃદ્ધ લોકસંસ્કૃતિનું પ્રતીક છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક સફાઈ વ્યવસ્થા અને નાગરિકોનો સહયોગ આ સાંસ્કૃતિક મહાકુંભને સ્વચ્છતાનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.