કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું
-
રાજવી પરિવારની પહેલી ધજા વિધિવત ચડાવવામાં આવી
-
5 ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે
-
1200થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત રહ્યા
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર નજીક આવેલા કોળિયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ ભાદરવી અમાસના મેળાનું ભવ્ય સમાપન થયું છે. ભારતભરમાંથી દૂર-દૂરથી આવેલા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે પાણી ઓસરતાની સાથે જ દરિયાકાંઠે જાણે કીડીયારું ઉભરાયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
પરંપરા મુજબ વહેલી સવારે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી, જ્યાં રાજ પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. ત્યારબાદ પાણી હટતા જ પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને છૂટ આપતા સેંકડો લોકોનો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો. લોકવાયકા મુજબ મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે અહીં ભગવાન શંકરની આરાધના કરી પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી, ત્યારથી આ સ્થળ 'નિષ્કલંક મહાદેવ' તરીકે જગપ્રખ્યાત બન્યું છે.
મેળામાં આવનારા દેશ-વિદેશના ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા માટે વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ રહ્યું હતું. મેળામાં 1 ASP, 8 PI, 14 PSI સહિત કુલ 1021 પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, GRD અને સાગર રક્ષક દળના જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી અને દરિયામાં સ્પિડબોટ તથા રેસ્ક્યુ બોટ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આસ્થા અને સુરક્ષાનો સમન્વય
કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસના અવસરે યોજાતો આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ લાખો લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સેવાકીય કાર્યોના કારણે આ વિશાળ મેળો શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો છે.