જૂનાગઢ શિવરાત્રી મેળામાં VVIP વાહનો પાછળ 20 લાખનો ખર્ચ
-
અર્બનિયા અને લક્ઝરી ગાડીઓ પાછળ કરાયો તોતિંગ ખર્ચ
-
કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની લોગબુક જ નથી
-
સામાન્ય શ્રદ્ધાળુઓ હેરાન થયા જ્યારે VIP માટે ગાડીઓ રખાઈ
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં કરવામાં આવેલા આડેધડ ખર્ચનો વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. મેળા પહેલા અને મેળા દરમિયાન સરકારે VVIP કલ્ચર નાબૂદ કરવાના દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં VVIP લોકોને સ્થળ સુધી લઈ જવા માટે વાહનો પાછળ 20 લાખ રૂપિયાથી વધુનો તોતિંગ ખર્ચ કરાયો હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની કોઈ લોગબુક જ તૈયાર કરવામાં આવી નથી.
કલાકારો પાછળ કરાયેલા લાખો રૂપિયાની લ્હાણીનો વિવાદ હજી ઉકેલાયો નથી, ત્યાં જ જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા RTO કચેરીમાંથી RTI હેઠળ મેળવેલી માહિતીમાં નવો ઘટસ્ફોટ થયો છે. RTO કચેરી દ્વારા શિવરાત્રી મેળા 2026 દરમિયાન VVIP લોકો તેમજ સામાન્ય નાગરિકો માટે લક્ઝરીયસ વાહન સેવાઓ પાછળ કુલ રૂ. 35,58,044 નો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી માત્ર VVIP માટે અર્બનિયા અને અન્ય ગાડીઓ પાછળ 20 લાખથી વધુ વેડફાયા છે.
વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મોટાભાગના નેતાઓ અને VVIP લોકો પગપાળા ગયા હતા, તો પછી વાહનોના નામે આટલો મોટો ખર્ચ કઈ રીતે થયો? એક તરફ કડકડતી ઠંડીમાં દૂર-દૂરથી આવેલા સામાન્ય શ્રદ્ધાળુઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે યોગ્ય વાહન સુવિધા ન હોવાથી તેઓ હેરાન પરેશાન થયા હતા, તો બીજી તરફ નેતાઓની સરભરા પાછળ સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. વાહનોના બિલોમાં પણ મોટી ગરબડ હોવાનું જણાઈ રહ્યું છે.
ખર્ચ અને પારદર્શિતા સામે સવાલો
સરકારી આયોજનોમાં જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે મનસ્વી ઉપયોગ અને લોગબુક વગરના શંકાસ્પદ બિલો પ્રશાસનની પારદર્શિતા પર ગંભીર સવાલો ખડા કરે છે. કલાકારોના મહેનતાણા બાદ હવે વાહન વ્યવહારના ખર્ચમાં સામે આવેલી અનિયમિતતાઓએ રાજકીય માહોલ ગરમાવ્યો છે અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ જોર પકડી રહી છે.