Loading Please Wait !!!
વાહનોમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ-CNG પણ નહીં

  • રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • વાહનમાં કોઈ છેડા કર્યા હોય તો ઇંધણ ન આપવા આદેશ નિયમનો ભંગ કરનાર સામે FIR થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભુસી નાખી કે ચેડાં કરીને વાહન ચલાવવા પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનર દ્વારા 'નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં' ના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે. આ હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીઅનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઇંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે ફરિયાદ કરાશે.

આ જાહેરનામું તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ (૬૦ દિવસ) સુધી અમલમાં રહેશે.પોલીસ કમિશનેરે જણાવ્યું હતું કે, સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરવામાં આવે છે. જેના પરિણામે બેફામ અને ગફલતભર્યું ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને મોટર વ્હીકલની જોગવાઈના ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે. HSRP રજીસ્ટ્રેશન નંબર વિનાના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. કારણ કે, ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઈન સ્નેચિંગ, લૂંટ, ધાડ તથા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે.