પેટ્રોલ પંપો પેટ્રોલ આપવાની ‘ના’ પાડી શકે નહીં?
- પોલીસ કમિશનરના જાહેરનામા અંગે સિનિયર વકીલોએ કહ્યું કાયદાની ઉપર કોઈ નથી
- રાજકોટ પોલીસનું ગઈકાલે જાહેરનામું હતું નંબર પ્લેટ વગરના વાહનચાલકોને પેટ્રોલ-ડિઝલ કે CNG દેવું નહીં
- કમિશનરનું જાહેરનામું રાજ્યના મૂળ કાયદાની ઉપરવટ જઈ શકી નહીં
રાજકોટમાં નંબર પ્લેટ વગરના અથવા નિયમસર નંબર પ્લેટ ન ધરાવતા વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં આપવાના પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને હવે કાયદાકીય સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે હાઇકોર્ટના સિનિયર એડ્વોકેટ વિરાટ પોપટે કમિશનરની સતાની મર્યાદા અંગે મહત્વપૂર્ણ મુદ્દા રજૂ કર્યા છે. વિશાટ પોપટના જણાવ્યા મુજબ, પોલીસ કમિશનર કાયદો-વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડી શકે છે, પરંતુ પેટ્રોલ પંપને ઇંધણ આપવાનો સીધો ઇનકાર કરવાનો આદેશ આપવા માટે અલગ અને સ્પષ્ટ કાયદાકીય સત્તા જરૂરી છે. માત્ર જાહેરનામાના આધારે આવશ્યક ચીજવસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકાય કે નહીં તે મોટો કાયદાકીય પ્રશ્ન છે. તેમના મતે, ઇંધણ આવશ્યક ચીજવસ્તુઓને લગતા કાયદાકીય માળખામાં આવે છે અને પેટ્રોલ પંપના લાઇસન્સ તથા ઇંધણના વિતરણ અંગેની કાર્યવાહી માટે સક્ષમ સત્તાધિકારીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કમિશનરનું જાહેરનામું રાજ્યના મૂળ કાયદાની ઉપરવટ જઈ શકી નહીં.
- પેટ્રોલ જીવનજરૂરી વસ્તુની વ્યાખ્યામાં આવે છે પેટ્રોલ પંપ સંચાલકો કોઈ ગ્રાહકને પેટ્રોલ આપવાની ના પાડી શકે નહીં
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગર અથવા અમાન્ય નંબર પ્લેટ ધરાવતા વાહનોને પેટ્રોલ-ડીઝલ-સીએનજી નહીં આપવાના જાહેરનામા બાદ હવે તેની કાયદાકીય સત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. કમિશનરના આદેશ મુજબ રાજકોટ શહેરના પેટ્રોલ પંપ સંચાલકોને આવા વાહનોમાં ઇંધણ નહીં ભરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે એડ્વોકેટ ભાગીરસિંહ કોડીયાએ જણાવ્યું છે કે, “પેટ્રોલ જીવનજરૂરીયાતની વસ્તુની વ્યાખ્યામાં આવે છે, તેથી માત્ર પોલીસ કમિશનરના જાહેરનામાના આધારે પેટ્રોલ પંપ સંચાલકો કોઈ ગ્રાહકને પેટ્રોલ આપવાની ના પાડી શકે નહીં. તેમના જણાવ્યા મુજબ, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનરજાહેરનામું બહાર પાડી શકે છે, પરંતુ તે આધારે પેટ્રોલના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સત્તાનો અલગ કાયદાકીય આધાર હોવો જરૂરી છે. નંબર પ્લેટ વગરનું વાહન નિયમભંગ કરતું હોય તો તેની સામે પોલીસ અને RTO દ્વારા સીધી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
- દરેક નંબર પ્લેટ વગરના વાહનચાલકોને શંકાસ્પદ કે ગુનેગાર ગણી શકાય નહીં
રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગર અથવા નિયમસર નંબર પ્લેટ ન ધરાવતા વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં આપવાના પોલીસ કમિશનરના ૬૦ દિવસના જાહેરનામાને લઈને હવે કાયદાકીય ચર્ચા તેજ બની છે. આ નિર્ણયનો હેતુ વાહનોની ઓળખ સુનિશ્ચિત કરવાનો અને ગુનાખોરી પર અંકુશ લાવવાનો હોય તો તે સમજી શકાય એવો છે, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોને ઇંધણ વેચાણનો ઇનકાર કરવાનો આદેશ આપવા માટે પોલીસ સત્તાનો કાયદાકીય આધાર કેટલો સ્પષ્ટ છે તે સવાલ મહત્વનો છે.,હાઈકોર્ટના સિનિયર એડ્વોકેટ ઋતુરાજ નાનાવતીએ આ અંગે જણાવ્યું હતું કે, કમિશનર કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડી શકે છે, પરંતુ જાહેરનામું બહાર પાડવાની સત્તા અને તેના આધારે પેટ્રોલ પંપ સંચાલકને આવશ્યક ચીજવસ્તુનું વેચાણ રોકવાની સત્તા એક બાબત નથી. નાનાવતીના મતે, દરેક નંબર પ્લેટ વગરના વાહનચાલકને શંકાસ્પદ કે ગુનેગાર ગણી શકાય નહીં. નંબર પ્લેટ તૂટી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય અથવા અન્ય કારણસર નિયમસર ન હોય તો તેના આધારે સીધી રીતે ઇંધણ રોકવું પ્રમાણસર કાર્યવાહી છે કે નહીં, તે પણ કાયદાકીય કસોટીનો વિષય બની શકે છે.