Loading Please Wait !!!
અફેરના નામે જેફરી એપ્સ્ટિન મને બ્લેકમેઈલ કરતો : બિલગેટ્સ

 

સિટી ન્યૂઝ@વોશિંગ્ટન ડીસી

એપ્સ્ટિન આ કથિત અફેરનો ફાયદો ઉઠાવીને બિલ ગેટ્સ પર એવું દબાણ કરતો હતો કે તેમની વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા પછી પણ બિલ ગેટ્સ ફરીથી તેની સાથે કૂટનીતિક અને સામાજિક સંપર્ક શરૂ કરે. બિલ ગેટ્સ અમેરિકન સંસદની હાઉસ ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી સમક્ષ જુબાની આપવા હાજર થયા હતા. આ હાઈ-લેવલ સમિતિ જેફરી એપ્સ્ટિન મામલામાં વહીવટીતંત્રે કરેલી કામગીરી અને તેની જાળમાં ફસાયેલા વિશ્વના વગદાર લોકોના નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બિલ ગેટ્સે સમિતિ સામે કબૂલ્યું છે કે જ્યારે તેઓ શરૂઆતમાં પરોપકારના કાર્યોના બહાને એપ્સ્ટિનને મળ્યા હતા, ત્યારે તેઓ તેના ગુનાઓની ગંભીરતાને પૂરી રીતે સમજી શક્યા નહોતા. બિલ ગેટ્સે સમિતિ સમક્ષ પોતાના અંગત જીવનની નબળાઈ સ્વીકારતા જણાવ્યું હતું કે, “આ અફેરને અને એપ્સ્ટિન સાથેની મારી સત્તાવાર વાતચીતને કોઈ સીધો લેવાદેવા નહોતો, પરંતુ આ આખો મામલો જાહેર થવો મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક હતો. એપ્સ્ટિને મારી આ ભૂતકાળની ભૂલનો પૂરો કાયદો ઉઠાવ્યો. તેણે મારી બેવફાઈ પર અનેક જૂઠી વાતો અને અફવાઓ ઉમેરીને મારી પર ફરીથી તેની સાથે જોડાવા માટે દબાણ કર્યું હતું.”

જોકે, બિલ ગેટ્સે એપ્સ્ટિન સાથે કોઈ પણ પ્રકારના અંગત કે દોસ્તીના સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એપ્સ્ટિન સાથે તેમની મુલાકાતો માત્ર ચેરિટી, ગ્લોબલ હેલ્થ અને સામાજિક કાર્યો માટે ફંડ એકઠું કરવા પૂરતી જ સીમિત હતી. સાંસદોના આકરા સવાલોના જવાબ આપતા બિલ ગેટ્સે સ્પષ્ટતા કરી હતી કે, “હું ક્યારેય જેફરી એપ્સ્ટિનના કોઈ પ્રાઈવેટ ટાપુ, તેના ફાર્મહાઉસ કે ફ્લોરિડાવાળા રહસ્યમય ઘરે ગયો નથી. મેં ક્યારેય કોઈનું શોષણ કર્યું નથી.”