ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનનો અમેરિકા પર ભયાનક વળતો પ્રહાર, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ભભૂક્યું
- અમેરિકન નૌકાદળના પાંચમા બેડા પર આત્મઘાતી ડ્રોન હુમલો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ સીલ
- બહેરીન, કુવૈત અને જોર્ડનના સૈન્ય મથકો હચમચી ઉઠ્યા, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ક્રિય
- ચીન અને હોંગકોંગની કંપનીઓ સહિત 9 વ્યક્તિઓ પર સકંજો, ટ્રમ્પના દાવા પર વિવાદ વધ્યો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટૉમહૉક ક્રૂઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. આ જવાબી કાર્યવાહીને પગલે પશ્ચિમ એશિયા (Middle East) માં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક અને ગંભીર બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સત્તાવાર દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડા (Fifth Fleet) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને 'શાહિદ-136' વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને જોરદાર રીતે હચમચાવી નાખ્યા હતા.
ઈરાની ન્યૂઝ એજન્સી 'મેહર' ના જણાવ્યા અનુસાર, IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડીને અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે 18 જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. આ હુમલામાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. બીજી તરફ, જોર્ડને પણ પોતાની સરહદમાં ઘૂસી આવેલી 5 ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે. દક્ષિણ ઈરાન પર અમેરિકાના બોમ્બમારાના જવાબમાં ઈરાને વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને પણ સંપૂર્ણપણે બંધ કરીને કોઈ પણ જહાજને ત્યાંથી પસાર ન થવાની કડક ચેતવણી આપી છે.
આ લશ્કરી હિંસા વચ્ચે અમેરિકી નાણા મંત્રાલયે આર્થિક મોરચે પણ ઘેરાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાએ ઈરાનના હથિયાર નેટવર્ક, શેડો બેંકિંગ અને ક્રિપ્ટો નેટવર્કને તોડવા માટે ચીન અને હોંગકોંગની કંપનીઓ સહિત 9 વ્યક્તિઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. દરમિયાન, પ્રમુખ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર એવો દાવો કર્યો હતો કે ઈરાની અધિકારીઓએ હુમલા રોકવા માટે તેમનો સંપર્ક કર્યો છે, જોકે તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરંદી અને ઈરાની મીડિયાએ આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ગંભીર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તમામ પક્ષોને તાત્કાલિક રાજદ્વારી કરાર તરફ વળવા અપીલ કરી છે.
વિશ્વ પર તોળાતું આર્થિક અને ઈંધણ સંકટ ઈરાન અને અમેરિકા વચ્ચેના આ લોહિયાળ સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર પર ઘાતક અસર પડવાની આશંકા છે. ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સીલ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો તેની ભયાનક અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડશે.