બેલફાસ્ટમાં સ્ટેબિંગની ઘટના બાદ ભયાનક હિંસા, વિદેશી નાગરિકો પર બેફામ હુમલા
- સુદાનના શરણાર્થીએ હુમલો કરતા સ્થાનિકો રોષે ભરાયા, અનેક મકાનો અને વાહનો ફૂંકી મરાયા
- માસ્કધારી ટોળાએ પોલીસ અને જાહેર સંપત્તિને નિશાન બનાવી, ઠેરઠેર આગજનીથી અફરાતફરી
- સ્ટેબિંગમાં આંખ ગુમાવનાર પીડિતના પરિવારે લોકોને શાંતિ જાળવવા હૃદયસ્પર્શી અપીલ કરી
સિટી ન્યુઝ @ બેલફાસ્ટ: આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં સોમવારે બનેલી સ્ટેબિંગની એક લોહિયાળ ઘટના બાદ ભારે વંશીય હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં મુખ્યત્વે વિદેશી નાગરિકો અને ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને બેફામ હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે યુરોપના આ નાનકડા દેશમાં રહેતા અન્ય દેશોના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુદાનથી આવેલા અને આયરલેન્ડમાં શરણ મેળવનારા એક વિદેશી નાગરિકે સ્થાનિક વ્યક્તિ પર સ્ટેબિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી ઘટનામાં પીડિતે પોતાની એક આંખ ગુમાવી દીધી હતી. હુમલાખોર વિદેશી હોવાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓનો રોષ ફાટી નીકળ્યો હતો.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો કે હુમલાખોર માત્ર સ્ટેબિંગ નહીં, પરંતુ પીડિતનું ગળું કાપવા માંગતો હતો. આ પોસ્ટ વાયરલ થતાં જ સેંકડો માસ્કધારી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનો શરૂ કરી દીધા હતા. વિરોધ પ્રદર્શને જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જ્યાં પણ વિદેશી નાગરિકો રહે છે તે વિસ્તારોમાં ઘૂસીને હુમલા કરવામાં આવ્યા હતા. હિંસા દરમિયાન ઠેરઠેર બસો, ખાનગી કાર અને ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેના ભયાનક વીડિયો પણ સામે આવ્યા છે.
ઉત્તરીય આયરલેન્ડમાં હિંસા પર કાબૂ મેળવવા પહોંચેલી પોલીસ પર પણ ઉગ્ર ટોળા દ્વારા બેફામ પથ્થરમારો અને હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહીવટી તંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં ભરી રહ્યું છે. આ દરમિયાન, સ્ટેબિંગની ઘટનામાં જે સ્થાનિક વ્યક્તિએ પોતાની આંખ ગુમાવી છે, તેના પરિવારે ઉમદા ભાવના દર્શાવીને સ્થાનિક લોકોને શાંતિ જાળવવાની આજીજી કરી છે. પીડિત પરિવારે ઉગ્ર બનેલા નાગરિકોને સમજાવતા જણાવ્યું હતું કે હિંસા કોઈ ઉકેલ નથી, અને આયરલેન્ડના આર્થિક તથા સામાજિક વિકાસમાં વિદેશી નાગરિકોનું યોગદાન પણ અત્યંત મહત્વનું રહ્યું છે.
શરણાર્થી નીતિ સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ સુદાનના નાગરિક દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા બાદ આયરલેન્ડમાં શરણાર્થીઓ અને વિદેશીઓને આશ્રય આપવાની નીતિ સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. માસ્ક પહેરીને જાહેર મિલકતો સળગાવનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે વિદેશી પરિવારો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.