Loading Please Wait !!!
મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું: અમેરિકાના વિનાશક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સીલ કરી

  • વૈશ્વિક તેલ સપ્લાય લાઈન બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ફફડાટ, યુદ્ધ જેવી સ્થિતિ
  • બંદર અબ્બાસ એરબેઝ, કેશમ અને હેંગામ ટાપુઓ પર શ્રેણીબદ્ધ મિસાઈલ એટેક
  • બહેરીનમાં ગુંજ્યા એર રેડ સાયરન, ઈરાને બે વ્યાપારી જહાજોને નિશાન બનાવ્યાનો દાવો

સિટી ન્યુઝ @ તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે પશ્ચિમ એશિયા (Middle East) ફરી એકવાર ભડકે બળ્યું છે. ઈરાનની સર્વોચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને અમેરિકાના હુમલાને પગલે સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાની સેનાએ કડક શબ્દોમાં વિદેશી શક્તિઓને ચેતવણી આપી છે કે, જો કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી Gards કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરનારા બે વ્યાપારી જહાજોને દરિયામાં પહેલેથી જ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના આ દાવાને તદ્દન નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે આ જળમાર્ગ સંપૂર્ણ બંધ નથી થયો અને અમેરિકન જહાજો પર કોઈ સફળ હુમલો થયો નથી. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના આદેશ પર યુએસ દળોએ ઈરાનના અનેક મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર 'સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઈક' (સ્વ-બચાવમાં હુમલા) શરૂ કરીને આક્રમક બોમ્બમારો કર્યો છે.

સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના અહેવાલ મુજબ, ઈરાનના દક્ષિણ ભાગોમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા બંદર અબ્બાસ એરપોર્ટ અને સૈન્ય એરબેઝ નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા છે. આ ઉપરાંત કેશમ અને હેંગામ ટાપુઓ પર અજ્ઞાત મિસાઈલો પડવાથી શક્તિશાળી વિસ્ફોટો થયા છે તેમજ કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સૈન્ય હોળીના જવાબી પ્રહારમાં ઈરાને પાડોશી દેશ બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળના 'ફિફ્થ ફ્લીટ' (Fifth Fleet) ના મુખ્યાલય પર મિસાઈલો દાગી છે, જેના કારણે બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. ઈરાનની 'તસ્નીમ' ન્યૂઝ એજન્સીએ લશ્કરી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જો અમેરિકા તેની આક્રમકતા ચાલુ રાખશે, તો મિડલ ઈસ્ટમાં રહેલા તમામ અમેરિકન હિતોને નવા સિરાથી ધ્વસ્ત કરી દેવામાં આવશે.

વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાશે

વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' માંથી દુનિયાભરના તેલ પુરવઠાનો 20% થી વધુ હિસ્સો પસાર થાય છે. જો ઈરાનની આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની અછત સર્જાશે અને ભાવો આસમાને પહોંચશે. ભારત સહિતના આયાતકાર દેશો પર તેની સીધી આર્થિક અસરો થઈ શકે છે.