Loading Please Wait !!!
યશની 'ટોક્સિક' પર સંકટના વાદળો: ડિજિટલ રાઈટ્સના સોદામાં અટવાઈ ફિલ્મ, જૂનની રિલીઝ પણ કેન્સલ!

 

  • OTT પ્લેટફોર્મ્સ સાથે પૈસાની માથાકૂટ- બીજીવાર રિલીઝ ડેટ ઠેલાતા ફેન્સમાં ભારે નિરાશા

  •  ડિસ્ટ્રિબ્યુશનના નામે રિલીઝ પાછી ઠેલવામાં આવી હોવાનો દાવો- બોલિવૂડમાં ગણગણાટ: હવે ઓગસ્ટ પર છે મીટ

  • પહેલા માર્ચ અને હવે જૂન- સુપરસ્ટારના દાવા અને બોલિવૂડની અંદરની વાતમાં મોટો તફાવત

    મુંબઈ: કન્નડ સુપરસ્ટાર યશના ચાહકો જે ફિલ્મની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તે ‘ટોક્સિક’ ની રિલીઝ ફરી એકવાર અનિશ્ચિત કાળ માટે પાછી ઠેલવામાં આવી છે. ગત માર્ચ મહિનામાં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર પાર્ટ ટુ’ સામે ટક્કર ટાળ્યા પછી આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે મળતી માહિતી મુજબ જૂનમાં પણ ફિલ્મ પડદા પર આવશે નહીં. ફિલ્મના ડિજિટલ રાઈટ્સના સોદામાં પેચ ફસાયો હોવાનું મનાઈ રહ્યું છે.

    બોલિવૂડના આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, યશ અને ફિલ્મની ટીમે ડિજિટલ રાઈટ્સ માટે એટલી મોટી રકમની માંગણી કરી છે કે કોઈ પણ મોટું ઓટીટી પ્લેટફોર્મ તે રકમ ચૂકવવા તૈયાર નથી. સામાન્ય રીતે સુપરસ્ટારની ફિલ્મોના રાઈટ્સ કરોડોમાં વેચાય છે, પરંતુ ‘ટોક્સિક’ માટે માંગવામાં આવેલી રકમ બજારના ગણિત કરતા ઘણી વધારે હોવાનું કહેવાય છે. આ આર્થિક ખેંચતાણને કારણે ફિલ્મની રિલીઝમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે.

    જોકે, સુપરસ્ટાર યશ દ્વારા સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને વિશ્વસ્તરે ડિસ્ટ્રિબ્યુશનને લગતી કેટલીક ટેકનિકલ બાબતો હજુ ફાઈનલ થઈ રહી છે, જેના કારણે રિલીઝ પાછી ઠેલવી પડી છે. તેમણે ફેન્સને ધીરજ રાખવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ‘KGF’ ની સફળતા બાદ યશની બ્રાન્ડ વેલ્યુ ખૂબ વધી ગઈ છે અને તે પોતાની આગામી ફિલ્મમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી.

    હવે એવી ચર્ચા છે કે જો ઓટીટી પ્લેટફોર્મ સાથેનો સોદો પાર પડશે, તો ફિલ્મ કદાચ આગામી ઓગસ્ટ મહિનામાં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે. જોકે, વારંવાર બદલાતી તારીખોને કારણે ટ્રેડ એનાલિસ્ટો માની રહ્યા છે કે ફિલ્મની હાઇપ પર તેની નકારાત્મક અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ‘રોકી ભાઈ’ પોતાની જીદ પર અડગ રહીને તોતિંગ રકમ મેળવે છે કે પછી ફેન્સ માટે રિલીઝ ડેટ ફાઈનલ કરે છે.