Loading Please Wait !!!
સૈફ અલી ખાનની ‘કર્તવ્ય’ થિયેટરમાં રિલીઝ કરવાની શાહરૂખની હિંમત ન ચાલી! 3 વર્ષ પછી સીધી OTT પર ફેંકાઈ ફિલ્મ

 

  • રેડ ચિલીઝના બેનર હેઠળ બનેલી ફિલ્મ અભેરાઈએથી ઉતરી- શાહરૂખ કે સલમાન કોઈને હવે પ્રોજેક્ટમાં રસ નથી રહ્યો

  • પ્રોડક્શનમાં વિધ્નો અને મોડું થતા શાહરૂખ ખાને લીધો મોટો નિર્ણય- જાણો કેમ અટકી પડી હતી આ ફિલ્મ

  •  રશ્મિકા દુગ્ગલ અને સંજય મિશ્રા જેવા સ્ટાર્સ છતાં થિયેટરમાં રિલીઝ ટાળી- સતત ઠેલાતા પ્રોડક્શન શિડયૂલે બગાડ્યા સમીકરણો

    મુંબઈ: બોલિવૂડમાં જ્યારે મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે સૈફ અલી ખાનના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘કર્તવ્ય’ ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની માલિકીની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મ છેલ્લા ત્રણ વર્ષથી અભેરાઈએ ચડી ગઈ હતી. અનેક પ્રયત્નો છતાં આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની મેકર્સની હિંમત ચાલી નથી, પરિણામે હવે આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

    ફિલ્મ ‘કર્તવ્ય’ માં સૈફ અલી ખાનની સાથે રશ્મિકા દુગ્ગલ, સંજય મિશ્રા અને ઝાકિર હુસૈન જેવા દમદાર કલાકારો છે. તેમ છતાં, ફિલ્મના નિર્માણ દરમિયાન આવેલા અસંખ્ય અવરોધોને કારણે તેનું શિડયૂલ સતત ખોરવાતું રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા વિલંબને કારણે ફિલ્મના કન્ટેન્ટ અને હાઈપ પર માઠી અસર પડી હતી. એક સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા દિગ્ગજોને આ પ્રોજેક્ટમાં રસ હતો, પરંતુ સમય જતા પ્રોજેક્ટ ઠંડો પડી ગયો હતો.

    બોલિવૂડ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે હાલના માર્કેટ ટ્રેન્ડને જોતા રેડ ચિલીઝ આ ફિલ્મ પર વધુ આર્થિક જોખમ લેવા માંગતું નથી. થિયેટરમાં રિલીઝ કરવા માટે માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનો મોટો ખર્ચ થાય છે, જે રિકવર થવાની શક્યતા ઓછી જણાતા ફિલ્મને સીધી ડિજિટલ પ્લેટફોર્મને વેચી દેવામાં આવી છે. જોકે, આ સોદો કેટલામાં થયો છે તેની સત્તાવાર જાણકારી મળી નથી.

    સૈફ અલી ખાનના ચાહકો માટે આ સમાચાર નિરાશાજનક છે કારણ કે તેઓ લાંબા સમયથી સૈફને એક અલગ અંદાજમાં મોટા પડદા પર જોવા માંગતા હતા. હવે જોવાનું એ રહેશે કે ઓટીટી પર ‘કર્તવ્ય’ દર્શકોનું દિલ જીતવામાં કેટલી સફળ રહે છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ માટે આ એક ‘ડેમેજ કંટ્રોલ’ જેવો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.