Loading Please Wait !!!
વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાનની સફળ ઉડાન

 

  • અમેરિકાના પ્લેટ્સબર્ગ એરપોર્ટ પરથી વિમાને ભરી પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ

  • 27 મિનિટની ઉડાન દરમિયાન માત્ર $5 (₹480) વીજળીનો ખર્ચ થયો

  • 106 ફીટ પાંખોનો ફેલાવો અને 11,340 કિલોનું ટેક-ઓફ વજન ધરાવે છે

સિટી ન્યુઝ @ ન્યૂયોર્ક

અમેરિકન સ્ટાર્ટઅપ કંપની 'હર્ટ એરોસ્પેસ' (Heart Aerospace) દ્વારા વિકસાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' એ પોતાની પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 12 ઓગસ્ટે ન્યૂ યોર્કના પ્લેટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક-ઓફ કરીને આ વિમાને ગ્રીન એવિએશન ક્ષેત્રે નવી ક્રાંતિનો પાયો નાખ્યો છે. અત્યાર સુધી વિમાનની ઉડાન પાછળ લાખો રૂપિયાનું મોંઘું એવિએશન ફ્યુઅલ વપરાતું હતું, ત્યારે આ ઓલ-ઇલેક્ટ્રિક વિમાને હવાઈ સફરના ભવિષ્યનું ચિત્ર બદલી નાખ્યું છે.

પરીક્ષણ દરમિયાન Aerospace X1 વિમાને આકાશમાં 1,100 ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને સતત 27 મિનિટ સુધી હવામાં રહીને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ ઉડાન દરમિયાન વિમાનના એડવાન્સ ઇલેક્ટ્રિક પાવરટ્રેને 1 મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો. આ સમગ્ર ટેસ્ટ ફ્લાઇટમાં વપરાયેલી વીજળીનો કુલ ખર્ચ માત્ર 5 ડોલર (અંદાજે ₹480) જેટલો નજીવો નોંધાયો હતો, જેણે વૈશ્વિક એવિએશન ઉદ્યોગને ચોંકાવી દીધો છે.

ડિઝાઇન અને કદની દ્રષ્ટિએ આ વિમાન અત્યંત વિશાળ છે. તેની પાંખોનો ફેલાવો (વિંગ સ્પેન) 32.3 મીટર (106 ફીટ), લંબાઈ 23.2 મીટર, ઊંચાઈ 7.3 મીટર અને ટેક-ઓફ વજન 11,340 કિલોગ્રામથી વધુ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ની સીધી દેખરેખ હેઠળ આ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

કંપની હવે આ સફળ પ્લેટફોર્મના આધારે 30 મુસાફરોની ક્ષમતા ધરાવતું 'ES-30' હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક પેસેન્જર વિમાન વિકસાવી રહી છે. આ વિમાન રિજનલ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 40% સુધીનો મોટો ઘટાડો કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, 2028 સુધીમાં હાઇબ્રિડ મોડેલનું પ્રોડક્શન ટેસ્ટિંગ શરૂ થશે અને 2031 સુધીમાં વૈશ્વિક કમર્શિયલ ઉપયોગ માટે સર્ટિફિકેશન મેળવી લેવામાં આવશે.

વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનની ઉડાન

અમેરિકી કંપની હર્ટ એરોસ્પેસના ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' એ ન્યૂ યોર્કમાં સફળ ટેસ્ટ ફ્લાઇટ ભરી છે. 106 ફૂટની પાંખો ધરાવતા આ વિમાને 27 મિનિટ હવામાં ઉડાન ભરી હતી, જેમાં વીજળીનો ખર્ચ માત્ર ₹480 ($5) થયો હતો. કંપની હવે 30 મુસાફરોની ક્ષમતાવાળું હાઇબ્રિડ વિમાન ES-30 તૈયાર કરી રહી છે.