Loading Please Wait !!!
ગુજરાતમાં મહિલાઓને નાઈટ શિફ્ટની મંજૂરી

ગુજરાત સરકાર દુકાનોના નિયમો હળવા કરશે

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત સરકાર રાજ્યમાં બિઝનેસ કરવાનું વધુ સરળ બનાવવા માટે ગુજરાતમાં શૉપ્સ-એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ-૨૦૧૯માં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત સુધારાઓ હેઠળ હવે રાજ્યભરમાં મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, આ સાથે નાના વેપારીઓ અને સંસ્થાઓ માટે લાઈસન્સ સંબંધિત નિયમોમાં પણ રાહત મળી શકે છે.રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફેરફારો આગામી મહિને મનાવા વિધાનસભા સત્રમાં રજૂ થનારા ઓમ્નિબસ એક્ટનો ભાગ બની શકે છે. કેન્દ્ર સરકારના કોમ્પ્લિયન્સ રિડક્શન અને ડિરેગ્યુલેશન એક્સરસાઈઝ અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને આ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ કાયદાઓમાં રહેલી બિનજરૂરી પ્રક્રિયા અને નિયમનાત્મક બોજ ઘટાડવાનો છે.હાલના નિયમો મુજબ, મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મુખ્યત્વે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં જ છે. પ્રસ્તાવિત સુધારા બાદ આ મર્યાદા દૂર કરવામાં આવશે. એટલે કે, સમગ્ર ગુજરાતમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકશે, જોકે તેમની સુરક્ષા સહિતની જરૂરી શરતો લાગુ રહેશે.

આ ઉપરાંત દુકાનો અને સંસ્થાઓ માટે ફરજિયાત લાઈસન્સની મર્યાદામાં પણ ફેરફાર કરવાની તૈયારી છે. હાલમાં ૧૦ કર્મચારીઓ સુધીની સંસ્થાઓને લાઈસન્સની આવશ્યકતામાંથી મુક્તિ છે. સરકાર આ મર્યાદા વધારીને ૨૦ કર્મચારીઓ કરવાની વિચારણા કરી રહી છે. આથી નાના વેપારીઓ અને સંસ્થાઓ પરનો કાયદાકીય અને દસ્તાવેજી બોજ ઘટશે.સરકાર દુકાનો અને સંસ્થાઓના કાયદા હેઠળ ૧૨ કલાકની શિફ્ટની જોગવાઈ લાવવાની પણ વિચારણા કરી રહી છે. તાજેતરમાં ફેક્ટરીઝ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારોની જેમ આ જોગવાઈ લાગુ થઈ શકે છે. જોકે કર્મચારીઓ માટે હાલની અઠવાડિયાની ૪૮ કલાકની મહત્તમ કામની મર્યાદા જાળવી રાખવામાં આવશે.સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, કામકાજની પરિસ્થિતિ અને કર્મચારીઓની સુરક્ષા સંબંધિત જરૂરી જોગવાઈઓ યથાવત રાખીને વેપારીઓ માટેના નિયમનકારી બોજમાં ઘટાડો કરવાનો હેતુ છે.

આ સુધારા એક જ ઓમ્નિબસ એક્ટ હેઠળ વિવિધ વિભાગોના અનેક કાયદાઓમાં કરવામાં આવશે. અલગ-અલગ કાયદામાં જુદા સુધારા કરવાને બદલે એક જ કાયદા મારફતે ફેરફારો કરવાની સરકારની યોજના છે, જે ગુજરાતમાં ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે.