રશિયાએ લક્ષ્મી મિત્તલની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી
-
યુક્રેનના 822 ડ્રોન હુમલા સામે રશિયાએ મિસાઈલોથી ભારે તબાહી મચાવી
-
ક્રિવી રિહ સ્થિત 'આર્સેલર મિત્તલ' સ્ટીલ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું
-
મોસ્કો તરફ ધસી રહેલા સેંકડો ડ્રોનને રશિયન એર ડિફેન્સે તોડી પાડ્યા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધે રવિવારે અત્યંત હિંસક વળાંક લીધો છે. યુક્રેને રશિયાના વિવિધ શહેરો પર 822 ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં રશિયાએ પણ યુક્રેનિયન શહેરો પર વિનાશક બેલિસ્ટિક મિસાઈલો છોડીને વળતો પ્રહાર કર્યો હતો. રશિયાના આ જવાબી હુમલામાં ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે જોડાયેલી ફેક્ટરીને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે પ્લાન્ટનું સંચાલન આંશિક રીતે સ્થગિત કરવું પડ્યું છે.
યુક્રેનના ક્રિવી રિહ શહેરમાં આવેલા 'આર્સેલર મિત્તલ ક્રિવી રિહ' (ArcelorMittal Kryvyi Rih) સ્ટીલ પ્લાન્ટ પર રશિયન મિસાઈલ ત્રાટકી હતી. કંપનીના સત્તાવાર પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે મિસાઈલ હુમલાથી ફેક્ટરી સાઈટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને કામદારોની સુરક્ષાને ધ્યાને રાખીને હાલ કામકાજ રોકી દેવાયું છે. પ્લાન્ટમાં થયેલા નાણાકીય અને માળખાકીય નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.
આ તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે રાતોરાત યુક્રેનના તમામ 822 ડ્રોનને તોડી પાડ્યા હતા. મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું કે લગભગ 600 જેટલા ડ્રોન રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા, જેને મોસ્કો એરસ્પેસમાં જ તોડી પડાયા હતા. આ ડ્રોન હુમલામાં પોડોલ્સ્કમાં આવેલા એક મોટા વેરહાઉસમાં આગ લાગી હતી અને રોસ્તોવ વિસ્તારમાં 5 સહિત રશિયામાં કુલ 6 લોકોના મોત થયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયન મિસાઈલ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ક્રિવી રિહમાં 2 લોકોના મોત અને 14 લોકો ઘાયલ થયા છે, જ્યારે સૂમી અને દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા શહેરમાં અન્ય 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઝેલેન્સકીએ આક્ષેપ કર્યો હતો કે રશિયા જાણીજોઈને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક એકમોને મિસાઈલો વડે નિશાન બનાવી રહ્યું છે.
લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયન મિસાઈલ એટેક
યુક્રેને રશિયા પર 822 ડ્રોનથી હુમલો કર્યા બાદ રશિયાએ જવાબી મિસાઈલ સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં યુક્રેનના ક્રિવી રિહ સ્થિત ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના 'આર્સેલર મિત્તલ' પ્લાન્ટને નુકસાન પહોંચતા કામકાજ અટકાવી દેવાયું છે. રશિયા અને યુક્રેન બંને દેશોમાં થયેલા આ પરસ્પર હવાઈ હુમલાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિ નોંધાઈ છે.