અમેરિકામાં CM ભુપેન્દ્ર પટેલનું રોકાણકારોને આમંત્રણ
- ધોલેરા SIR અને GIFT સિટીમાં રોકાણ કરવા કહ્યું
- સાન ફ્રાન્સિસ્કોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભવ્ય સન્માન કરાયું
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કો ખાતે ઉદ્યોગકારો અને અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે ધોલેરા SIR અને GIFT સિટીમાં રોકાણ કરવા ખાસ આમંત્રણ આપ્યું હતું.
સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકાની ત્રણ મોટી કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ભારતીય મૂળના ઉદ્યોગકારો સાથે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણલક્ષી નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્યમાં નવા ઉદ્યોગો અને ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ શરૂ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
સાન ફ્રાન્સિસ્કોના ફેમોન્ટ ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ડાયસ્પોરા એસોસિએશન્સ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં વિશેષ કોમ્યુનિટી રિસેપ્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો જોડાયા હતા. મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસના આગામી તબક્કામાં ન્યૂયોર્કના અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠકો યોજાશે. ગુજરાતને વૈશ્વિક રોકાણનું મુખ્ય કેન્દ્ર બનાવવા અને વિદેશી મૂડીરોકાણના આકર્ષવાના હેતુથી આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.