ભરપૂર તડકો હોવા છતાં વિટામિન D ની ભારે અછત!
-
10 માંથી 7 લોકો વિટામિન D ની ઉણપથી પીડિત!
-
મેટ્રોપોલિસ હેલ્થકેરના 11.6 લાખ ટેસ્ટમાં ચોંકાવનારો ખુલાસો!
-
બાળકો અને કિશોરોમાં પણ જોવા મળી વિટામિન D ની ખામી!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતને સૂર્યપ્રકાશથી ભરપૂર દેશ ગણવામાં આવે છે, તેમ છતાં દેશભરમાં મોટા પ્રમાણમાં લોકો વિટામિન D ની ગંભીર ઉણપથી પીડાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા માત્ર વડીલો પૂરતી મર્યાદિત નથી, પરંતુ બાળકો અને ખાસ કરીને કિશોરોમાં પણ વિટામિન D નું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું જોવા મળી રહ્યું છે, જે હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.
મેટ્રોપોલિસ હેલ્થકેર દ્વારા જાન્યુઆરી 2025થી મે 2026 વચ્ચે કરવામાં આવેલા 11.6 લાખથી વધુ વિટામિન D ટેસ્ટના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે ટેસ્ટ કરાવનારા આશરે 10માંથી 7 લોકો કાં તો વિટામિન D ની ઉણપથી પીડાઈ રહ્યા હતા અથવા તેમનું સ્તર જરૂરી માત્રાથી ઘણું નીચે હતું.
માત્ર તડકો હોવો એ વાતની ખાતરી નથી આપતું કે શરીરમાં પૂરતું વિટામિન D બની રહ્યું છે. બદલાતી જીવનશૈલીને કારણે લાંબા સમય સુધી ઘરની અંદર રહેવું, ઓફિસમાં કામ કરવું, બાળકોનું સ્ક્રીન ટાઈમ વધવો અને વાયુ પ્રદૂષણ જેવા કારણોસર ત્વચાને પૂરતા પ્રમાણમાં યુવીબી કિરણો મળી શકતા નથી, જેનાથી વિટામિન D નું નિર્માણ અટકે છે.
વિટામિન D ની ઉણપથી હાડકાં નબળા પડવા, બાળકોમાં રિકેટ્સ અને પુખ્ત વયના લોકોમાં ઓસ્ટ્રોમેલેશિયા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. સવારનો વહેલો તડકો હંમેશાં પૂરતો હોતો નથી અને યોગ્ય યુવીબી એક્સપોઝર માટે બપોરની આસપાસનો સમય મહત્વનો ગણાય છે, જોકે સનબર્નથી બચવું પણ જરૂરી છે.
આ સમસ્યાના નિવારણ માટે માત્ર તડકા પર નિર્ભર રહેવાને બદલે સંતુલિત આહાર, ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થો, ઇંડા તેમજ જરૂર પડે ડૉક્ટરની સલાહ મુજબ સપ્લીમેન્ટ્સ લેવા અનિવાર્ય છે. બાળપણથી જ સાચી જીવનશૈલી અપનાવવાથી ભવિષ્યની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
વિટામિન D ની અછત અને આપણી જીવનશૈલી: એક ગંભીર ચેતવણી
આજના આધુનિક અને યાંત્રિક યુગમાં કુદરતી સૂર્યપ્રકાશથી વંચિત રહેવાની આપણી આદતો આપણા સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે. વિટામિન D ની ઉણપ માત્ર હાડકાંની નબળાઈ પૂરતી સીમિત નથી, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ અને માનસિક ઉર્જા પર પણ અસર કરે છે. જો આપણે આપણી દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓ, ઓપન એર ગેમ્સ અને પૌષ્ટિક આહારનો સમાવેશ નહીં કરીએ, તો દેશમાં હેલ્થ સેક્ટર સામે એક મોટો પડકાર ઊભો થઈ શકે છે.