IPCC ના 7મા મૂલ્યાંકન અહેવાલની સમયમર્યાદા પર વિવાદ!
-
અહેવાલ રજૂ કરવાની ઉતાવળ સામે ભારતનો સખત વાંધો!
-
વૈજ્ઞાનિક અભ્યાસ અને સચોટ આંકડા માટે વધુ સમયની માંગ!
-
પશ્ચિમી દેશોની ડેડલાઈન સામે વિકાસશીલ દેશોનો વિરોધ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
પીગળતા હિમાલયી ગ્લેશિયર્સ, અનિશ્ચિત ચોમાસું અને દરિયાકાંઠાના વિસ્તારો પર તોળાતા ખતરા વચ્ચે ભારત આબોહવા પરિવર્તનની વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છે. આ વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા 'ઇન્ટરનેશનલ પેનલ ઓਨ ક્લાઇમેટ ચેન્જ' (IPCC) નો અહેવાલ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ તેના 7મા મૂલ્યાંકન અહેવાલ (AR7) ને પૂર્ણ કરવાની 2028ની સમયમર્યાદા સામે ભારત સહિતના અનેક દેશોએ સખત વાંધો વ્યક્ત કર્યો છે.
IPCC પોતે નવું સંશોધન કરતું નથી, પરંતુ વૈશ્વિક અભ્યાસોની ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક સમીક્ષા કરે છે. આ સમીક્ષાના દરેક ડ્રાફ્ટ પર દુનિયાભરમાંથી આવતી હજારો ટિપ્પણીઓનો જવાબ આપીને તેને પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2015ના પેરિસ કરાર હેઠળ 2028માં વૈશ્વિક આબોહવા લક્ષ્યોની સમીક્ષા થવાની હોવાથી પશ્ચિમી દેશો ઈચ્છે છે કે અહેવાલ 2028 સુધીમાં કોઈપણ ભોગે રજૂ થઈ જાય.
બીજી તરફ, ભારત, ચીન, સાઉદી અરેબિયા, રશિયા અને કેન્યા જેવા વિકાસશીલ દેશોનો તર્ક છે કે 2028ની ડેડલાઈન અત્યંત ઉતાવળ ભરેલી છે. આ દેશોના વૈજ્ઞાનિકોને જમીની અભ્યાસ કરવા, સચોટ આંકડા એકત્રિત કરવા અને અહેવાલમાં સંપૂર્ણ યોગદાન આપવા માટે પૂરતા સમય અને સંસાધનોની આવશ્યકતા છે.
કૃષિ, જલ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે IPCC નો ડેટા ભારતની રાષ્ટ્રીય નીતિઓનો કરોડરજ્જુ સમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે, તો તેનાથી જમીની પડકારો અને વાસ્તવિક હકીકતોની ઉપેક્ષા થઈ શકે છે.
આબોહવા પરિવર્તનના આ વૈશ્વિક દસ્તાવેજમાં દરેક દેશના હિતો અને વાસ્તવિક પરિસ્થિતિઓને યોગ્ય સ્થાન મળે તે માટે વિકાસશીલ દેશો દ્વારા સમયસીમા લંબાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યની નીતિઓ વધુ સચોટ અને પ્રભાવી સાબિત થઈ શકે.
આબોહવા અહેવાલની ઉતાવળ: વૈજ્ઞાનિક સત્ય અને રાજકીય દબાણ વચ્ચે જંગ
આબોહવા પરિવર્તનના ગંભીર પડકારોનો સામનો કરી રહી દુનિયા માટે IPCC ના અહેવાલો દિશાચૂચક સમાન હોય છે. પરંતુ જ્યારે પશ્ચિમી દેશો રાજકીય અને વૈશ્વિક લક્ષ્યોના દબાણ હેઠળ અહેવાલ વહેલી તકે બહાર લાવવા માંગતા હોય, ત્યારે જમીની હકીકતો અને ડેટા એકત્ર કરવા માટે પૂરતો સમય માંગતા વિકાસશીલ દેશોનો વિરોધ પણ વ્યાજબી છે. જો ઉતાવળમાં અધૂરી માહિતી સાથે અહેવાલ તૈયાર થશે, તો ભવિષ્યની નીતિઓ પર તેની વિપરીત અસર પડી શકે છે.