Loading Please Wait !!!
આર્થિક તંગીની અફવાઓ પર ભડક્યા વરિષ્ઠ અભિનેત્રી અનીતા કંવલ!

 

  • "હું સંપન્ન પરિવારમાં રહું છું, આ ઉંમરે બદનામ ના કરો!"

  • છ મહિના જૂના ઇન્ટરવ્યુને તોડી-મરોડીને રજૂ કરાયો હોવાનો દાવો!

  • આગામી 10 વર્ષ સુધી આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ છું: અનીતા!

સિટી ન્યુઝ @ મુંબઈ 

ટેલિવિઝન અને હિન્દી સિનેમાની જાણીતી વરિષ્ઠ અભિનેત્રી અનીતા કંવલે સોશિયલ મીડિયા પર પોતાની આર્થિક તંગી અંગે ચાલી રહેલા તમામ ભ્રામક અને પાયાવિહોણા અહેવાલો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. 72 વર્ષીય અભિનેત્રીએ સ્પષ્ટતા કરી છે કે તેમનો છ મહિના જૂનો ઇન્ટરવ્યુ તોડી-મરોડીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા અનીતાએ જણાવ્યું હતું કે આ ખોટી અફવાઓને કારણે રાત્રે તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે બચતથી કેટલો સમય ચાલી શકે, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ દોઢ વર્ષ સુધી સક્ષમ છે, પરંતુ કેટલાક ન્યૂઝ પોર્ટલ્સે તેને આર્થિક સંકટ સાથે જોડી દીધું.

પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરતા અભિનેત્રીએ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, "હું એક પ્રતિષ્ઠિત અને સંપન્ન પરિવારમાંથી આવું છું. મેં યોગ્ય આયોજન કર્યું છે અને આગામી 10 વર્ષ સુધી હું કોઈ પણ ટેન્શન વગર પોતાનો ખર્ચ ઉઠાવી શકું તેમ છું. હું તો મારા બાળકો પાસેથી પણ નાણાકીય સહાય નથી લેતી, તો બહારના લોકો પાસે મદદ માંગવાનો પ્રશ્ન જ નથી."

અનીતાએ ઉમેર્યું કે જૂના ઇન્ટરવ્યુ પછી હવે સંજોગો બદલાઈ ચૂક્યા છે, તેમને નવો ફિલ્મ પ્રોજેક્ટ મળી ચૂક્યો છે, ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડ કોલેબોરેશન મળી રહ્યા છે અને તેમણે પોતાની રીલ ડ્રામા સીરિઝ પણ તૈયાર કરી છે.

વીડિયોના અંતે તેમણે ભાવુક બનીને મીડિયા અને સોશિયલ મીડિયા યૂઝર્સને અપીલ કરી હતી કે માત્ર સનસનાટી મચાવવા માટે આ ઉંમરે કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ ફેલાવીને તેમને બદનામ કરવાનું બંધ કરવામાં આવે.

મીડિયાની સેન્સેશનલ હેડલાઇન્સ અને સેલિબ્રિટીઝનું દર્દ: નૈતિકતાનો સવાલ

આજના સોશિયલ મીડિયા યુઝર્સ અને કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ્સ વ્યુઝ કે લાઈક્સ મેળવવા માટે જૂના નિવેદનોને તોડી-મરોડીને જે રીતે સનસનાટીભરી હેડલાઇન્સ બનાવતા હોય છે, તે અત્યંત ચિંતાજનક છે. અનીતા કંવલ જેવા વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત કલાકારો સાથે આ પ્રકારની હરકત કરવી તેમની વર્ષોની મહેનત અને સન્માન પર પ્રહાર સમાન છે. મીડિયા અને પ્લેટફોર્મ્સે કોઈપણ ખબર પ્રસારિત કરતા પહેલા તેની સત્યતા અને નૈતિકતાનું ભાન રાખવું અનિવાર્ય છે.