શું ઘરમાં જીવતો કાચબો રાખવો જોઈએ? જાણો શું કહે છે કર્મ સિદ્ધાંત અને વાસ્તુ શાસ્ત્ર
-
જીવતા કાચબાને પાળવાથી લક્ષ્મી પ્રસન્ન થાય કે નારાજ? મૂર્તિ રાખવાના અદભૂત ફાયદા વિશે જાણો
-
ઉત્તર દિશામાં કાચબો રાખવાથી કારકિર્દીમાં મળશે નવી તકો; નેગેટિવ એનર્જી દૂર કરવાનો રામબાણ ઉપાય
-
બુધવાર કે શુક્રવારે કાચબો લાવવો અત્યંત શુભ; વાસ્તુ નિષ્ણાતોના મતે પાણીમાં રાખવાથી વધે છે સકારાત્મક ઉર્જા
હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુના ‘કૂર્મ અવતાર’ સાથે જોડવામાં આવે છે, જેના કારણે તેનું આધ્યાત્મિક મહત્વ અત્યંત વધારે છે. સમુદ્ર મંથન દરમિયાન કાચબાના સહારે જ પર્વતને સ્થિર રાખવામાં આવ્યો હતો, તેથી તેને સ્થિરતા અને ધૈર્યનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં કાચબાની હાજરીથી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે, પરંતુ ‘જીવતો કાચબો’ રાખવો કે ‘મૂર્તિ’ તે અંગે લોકોમાં ઘણી દ્વિધા રહેલી છે.
જીવતા કાચબાને બદલે મૂર્તિ કેમ વધુ શુભ? ઘણીવાર લોકો ઘરમાં જીવતો કાચબો રાખે છે, પરંતુ ધર્મશાસ્ત્ર અને કર્મ સિદ્ધાંત મુજબ તેને યોગ્ય માનવામાં આવતું નથી. દરેક જીવને સ્વતંત્રતાનો અધિકાર છે અને કોઈ જીવને બંધનમાં રાખવાથી નકારાત્મક કર્મ પેદા થઈ શકે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, જીવતા કાચબાને બદલે લાકડા, ધાતુ અથવા સ્ફટિકથી બનેલી કાચબાની મૂર્તિ રાખવી વધુ શ્રેષ્ઠ અને શુભ ફળદાયી માનવામાં આવે છે. આનાથી ઘરના વાતાવરણમાં સંતુલન જળવાય છે.
કઈ દિશામાં રાખવો જોઈએ કાચબો? વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું વિશેષ મહત્વ છે. કાચબાને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ, કારણ કે આ દિશા કુબેર દેવની માનવામાં આવે છે. ઉત્તર દિશામાં કાચબો રાખવાથી કારકિર્દીમાં પ્રગતિ થાય છે અને આર્થિક લાભના નવા માર્ગ ખુલે છે. જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કાચબાનું મુખ અંદરની તરફ રહે તેમ મૂર્તિ સ્થાપિત કરો છો, તો તે નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે. બેડરૂમમાં કાચબો રાખવાથી માનસિક શાંતિ મળે છે અને અનિદ્રા જેવી સમસ્યાઓ દૂર થાય છે.
ખરીદી માટે શુભ દિવસો જો તમે તમારા ઘર, ઓફિસ કે દુકાનમાં કાચબો લાવવાનું વિચારી રહ્યા હોવ, તો બુધવાર, ગુરુવાર અથવા શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કાચબાને પાણી ભરેલા પાત્રમાં રાખવાથી તેની શક્તિ અને અસરમાં વધારો થાય છે. આ એક સરળ ઉપાય પિતૃદોષ અને વાસ્તુદોષને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.