દસ મહાવિદ્યામાં આઠમું સ્થાન: માતા બગલામુખીની 16 દિવ્ય શક્તિઓ જે શત્રુની બુદ્ધિ અને વાણીને કરી દે છે સ્તંભિત
-
24 એપ્રિલે વૈશાખ સુદ આઠમે શક્તિની આરાધનાનો પર્વ; જગતને વિનાશથી બચાવવા માં પ્રગટ્યા હતા બગલામુખી
-
બ્રહ્માસ્ત્ર રૂપિણી દેવીના રહસ્યો- પાંડવોએ પણ મહાભારત યુદ્ધ પહેલા કરી હતી માતાની આરાધના
-
સૌરાષ્ટ્રના હરિદ્રા તળાવ સાથે જોડાયેલું છે દેવીનું જોડાણ; ભક્તો માટે વિજય અને સુરક્ષાનું પરમ ધામ
વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે દેવી બગલામુખીની જયંતી દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આ પવિત્ર તિથિ છે. દસ મહાવિદ્યાઓમાં આઠમું સ્થાન ધરાવતા માતા બગલામુખી સાક્ષાત્ શક્તિનું ઉગ્ર સ્વરૂપ છે, જેમને યુદ્ધમાં વિજય અપાવનારા અને શત્રુઓનો નાશ કરનારા દેવી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ, સૌરાષ્ટ્રના હરિદ્રા સરોવરમાંથી માતાનું પ્રાગટ્ય થયું હતું.
વિશ્વને વિનાશથી બચાવવા માટે પ્રાગટ્ય એક કથા અનુસાર, સત્યયુગમાં જ્યારે ભયંકર તોફાને પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઊભું કર્યું હતું, ત્યારે ભગવાન વિષ્ણુએ શિવની સલાહ પર આદિશક્તિની કઠોર તપસ્યા કરી હતી. વિષ્ણુની ભક્તિથી પ્રસન્ન થઈને દેવી જગદંબા સૌરાષ્ટ્રના હરિદ્રા તળાવમાંથી બગલામુખી સ્વરૂપે પ્રગટ થયા અને સૃષ્ટિને વિનાશથી બચાવી હતી. બીજી કથા મુજબ, બ્રહ્માજીના શાસ્ત્રો ચોરી પાતાળમાં છુપાયેલા રાક્ષસનો વધ કરવા દેવીએ બગલાનું રૂપ ધારણ કર્યું હતું.
સ્તંભન શક્તિના અધિષ્ઠાત્રી દેવી માતા બગલામુખી ‘સ્તંભન’ શક્તિ માટે જાણીતા છે, એટલે કે તે શત્રુની વાણી, બુદ્ધિ અને હિલચાલને રોકી દેવાની શક્તિ ધરાવે છે. તેમના ૧૬ દિવ્ય નામોમાં મંગલા, વાશ્ય, સ્તંભૈની અને મોહિની જેવા સ્વરૂપોનો સમાવેશ થાય છે. મહાભારતના યુદ્ધ પૂર્વે પાંડવોએ પણ ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ માતા બગલામુખીની આરાધના કરી હતી. કોર્ટ-કચેરીના વિવાદો કે શત્રુઓથી ઘેરાયેલા ભક્તો માટે માતાની સાધના અચૂક માનવામાં આવે છે.
પીળા રંગનું વિશેષ મહત્વ માતા બગલામુખીને ‘પિતાંબરા’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમને પીળો રંગ અત્યંત પ્રિય છે. પૂજન દરમિયાન પીળા વસ્ત્રો, પીળા ફૂલો અને હળદરની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. દેવીના બે હાથ છે, જેમાં જમણા હાથમાં ગદા છે અને ડાબા હાથથી તે રાક્ષસની જીભ પકડીને તેના પર પ્રહાર કરી રહ્યા છે, જે દુષ્ટ વિચારો અને વાણી પરના વિજયનું પ્રતીક છે.