ગંગા સપ્તમી: આત્મચેતના જગાડતું પાપહર્તા મા ગંગાનું પ્રાગટ્ય પર્વ, ‘હર હર ગંગે’ ના નાદથી ગુંજી ઉઠ્યા ઘાટ
-
જહ્મુસુતાના પવિત્ર જળના સ્પર્શથી હૈયામાં દૈવી અનુભૂતિ; માનવ જીવનને ધન્ય બનાવતો ભક્તિનો માર્ગ
-
ગંગોત્રીથી ગંગાસાગર સુધી પવિત્રતાની દિવ્ય ધારા; મનને શુદ્ધ કરી અંતરમાં આનંદ પ્રગટાવતો પાવન અવસર
-
દિવ્યાનુભૂતિ કરાવતું હિલોળા લેતું જળ; શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી મા ગંગાની પ્રત્યક્ષ ભક્તિ
વૈશાખ સુદ સાતમ એટલે કે જહ્મુસુતા, પાપહર્તા અને મોક્ષદાતા મા ગંગાની જયંતી. આ પવિત્ર દિવસે ‘હર હર ગંગે, જય મા ગંગે’ ના જયઘોષ સાથે ભક્તોએ પોતાની આત્મચેતના જાગૃત કરી હતી. ગંગા સપ્તમીના આ પાવન અવસરે ભક્તોના હૈયામાં દૈવી અનુભૂતિ પ્રગટી હતી અને મનને શુદ્ધ કરી અંતરમાં અદમ્ય આનંદની પ્રાપ્તિ થઈ હતી. ગંગા જયંતી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે માનવીની આંતરિક શુદ્ધિ અને આધ્યાત્મિક જાગૃતિનું પર્વ છે.
ગંગામૈયા ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક નદી નથી, પરંતુ તે પ્રકાશ, પ્રગતિ, આસ્થા, શ્રદ્ધા અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. ગંગોત્રીથી પ્રારંભ કરી ગંગાસાગર સુધી વહેતું ગંગામૈયાનું શુદ્ધ તથા પવિત્ર જળ માનવસમાજનું શ્રેય કરી આત્મિક શાંતિની દિવ્યાનુભૂતિ કરાવે છે. ગંગામૈયાનું હિલોળા લેતું મનોહર જળ આત્મામાં બેમિસાલ ખુશી અને દિવ્યતાની લહેર જન્માવે છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિના અલૌકિક માર્ગ તરફ દોરી જાય છે.
મા ગંગાના સમગ્ર કિનારા પર વસેલા આધ્યાત્મિક સ્થળો જેવા કે દેવપ્રયાગ, હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી અને પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય રીતે શોભી રહ્યા છે. ગંગામૈયાએ આ સ્થળોને તીર્થધામો બનાવીને માનવજીવનને ધન્યતા અને ભક્તિનો આધ્યાત્મિક માર્ગ બતાવ્યો છે. આ સઘળાં તીર્થસ્થળો ગંગામૈયાના કાંઠે ઝળહળે છે. ગંગાના જળપ્રવાહમાં વહેતા હજારો દીવડાઓ અદ્ભૂત સૌંદર્યનો આધ્યાત્મિક નજારો સર્જે છે અને આરતીનો પવિત્ર ઘંટારવ અકલ્પનીય શાંતિ અર્પે છે.
તીર્થસ્થાનોના આ દર્શન અને પૂજનથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને મન શુદ્ધ બને છે. ગંગા સપ્તમીના દિવસે દીપદાન અને આરતીના મનોભાવથી માણવાથી અનેરો આનંદ અને ઉલ્લાસ અનુભવાય છે. જ્યારે મનુષ્ય આ પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક જોડાય છે, ત્યારે તેની ચેતના અને સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. આ પ્રક્રિયાથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને નવી પ્રેરણાનું સર્જન થાય છે, જે વ્યક્તિને સાચા માર્ગે ગતિ કરવા પ્રેરે છે.
ગંગામૈયા પ્રત્યક્ષ માતા સમાન પૂજાય છે, જેમનું વાહન મગર છે અને તેના પર સવાર થઈને તેઓ સમગ્ર ધરતી ઉપર વિચરણ કરે છે. મા ગંગાને શુદ્ધિ, ક્ષમા અને પવિત્રતાની દેવી તરીકે પૂજવામાં આવે છે. ગંગાના કાંઠે કલા, સંગીત, સાહિત્ય અને યોગના અનેક કેન્દ્રો ધમધમી રહ્યા છે, જે સમાજમાં સંસ્કાર અને શિસ્તનું સિંચન કરે છે. આ પવિત્ર નદીના સાનિધ્યમાં રહેવાથી મનુષ્યના વિચાર, આચરણ અને વ્યવહારમાં શુદ્ધિ પ્રગટે છે અને જીવનમાં દિવ્યતાનો ઉદય થાય છે.