UN ના રિપોર્ટ પર ભડક્યું ઈઝરાયલ: મહાસચિવ ઓફિસ સાથે સંબંધો તોડ્યા
- જેલમાં ફિલિસ્તીની કેદીઓ સાથે જાતીય હિંસા અને યૌન ઉત્પીડનના આરોપથી વૈશ્વિક વિવાદ
- વર્ષ 2025 ના 31 પ્રમાણિત કેસોનો રિપોર્ટમાં દાવો, ઈઝરાયલે અહેવાલને વાહિયાત ગણાવ્યો
- રાજદૂત ડેની ડેનની જાહેરાત, એન્ટોનિયો ગુટેરેસની ઓફિસ સાથે કોઈ સહયોગ નહીં કરાય
સિટી ન્યુઝ @ જેરૂસલેમ
સંયુક્ત રાષ્ટ્રના (UN) એક નવા અને અત્યંત ચોંકાવનારા અહેવાલે ઇઝરાયલ અને વૈશ્વિક સંસ્થા વચ્ચે મોટો રાજદ્વારી વિવાદ ઊભો કરી દીધો છે. આ સત્તાવાર રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી સુરક્ષા દળોએ ફિલિસ્તીની કેદીઓ વિરૂદ્ધ જાતીય હિંસા અને સતામણીની અનેક અમાનવીય ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ગંભીર અહેવાલ સામે આવ્યા બાદ ઇઝરાયલે અત્યંત તીખી પ્રતિક્રિયા આપી છે અને UN ના વર્તમાન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઓફિસ સાથેના તમામ સંબંધો તાત્કાલિક અસરથી ખતમ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
UN ના અહેવાલ અનુસાર, વર્ષ 2025 દરમિયાન સ્દે તેમાન અને એત્ઝિઓન ડિટેન્શન સેન્ટર સહિતની વિવિધ જેલો તેમજ પૂછપરછ કેન્દ્રો પર ફિલિસ્તીની કેદીઓ વિરૂદ્ધ જાતીય હિંસાના 31 પ્રમાણિત કેસોની ઓળખ કરવામાં આવી છે. આ કેસોમાં કેદીઓ સાથે બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ, પરાણે કપડાં ઉતરાવવા અને જાતીય પ્રતાડના જેવી અત્યંત શરમજનક ઘટનાઓ શામેલ છે. રિપોર્ટમાં એવો પણ આક્ષેપ છે કે પીડિતોમાં કેટલાક પત્રકારો અને માનવાધિકાર કાર્યકરો પણ સામેલ હતા તથા ઇઝરાયલી સત્તાવાળાઓએ UN ના તપાસકર્તાઓને જેલો સુધી પહોંચ આપી ન હતી.
આ રિપોર્ટ જાહેર થતાં જ ઇઝરાયલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમે હવે તમારી સાથે બિલકુલ કામ નહીં કરીએ. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે પણ આ રિપોર્ટને શરમજનક અને વાહિયાત ગણાવતા કહ્યું કે UN હવે એક રાજકીય અને પક્ષપાતી સંસ્થા બની ચૂકી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મહાસચિવ પોતાના રિપોર્ટ પર સંપૂર્ણપણે કાયમ છે અને આ આંતરરાષ્ટ્રીય વિવાદના કારણે ગાઝા યુદ્ધ વચ્ચે ઇઝરાયલ પર વૈશ્વિક દબાણ વધુ ઘેરૂ બન્યું છે.
હમાસ સાથે સૈન્યની સરખામણી અસ્વીકાર્ય
ઈઝરાયલે આક્ષેપ કર્યો છે કે પોતાના દેશના સૈનિકોને હમાસ જેવા આતંકી સંગઠનો સાથે એક જ યાદીમાં મૂકવા એ તદ્દન અન્યાયી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રમાં નવા મહાસચિવની નિમણૂક ન થાય, ત્યાં સુધી ઈઝરાયલ ગુટેરેસની ઓફિસ સાથે કોઈપણ પ્રકારનો વહીવટી સહયોગ નહીં કરે. ઈઝરાયલ આ પક્ષપાતી વલણનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ચાલુ રાખશે.