Loading Please Wait !!!
વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં: મેકર્સ પર 400 કરોડનો કેસ

=> 'ચુનરી ચુનરી' ગીતના ઉપયોગ સામે વાસુ ભગનાનીની પૂજા એન્ટરટેઈનમેન્ટે વાંધો ઉઠાવ્યો

=> ડેવિડ ધવન અને ટિપ્સ કંપની વિરૂદ્ધ કાયદાકીય આકરા પ્રહારોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધ્રૂજી

=> પરવાનગી વગર આઇકોનિક ગીતોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ, 5 જૂને થવાની છે રિલીઝ

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ને લઈને પ્રોડક્શન હાઉસનું ટેન્શન ખૂબ જ વધી ગયું છે. આગામી 5 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ તે પહેલા જ ડિરેક્ટર ડેવિડ ધવન અને ‘ટિપ્સ’ મ્યુઝિક કંપની માટે મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરૂદ્ધ 400 કરોડ રૂપિયાનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દેતા બોલિવૂડ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વરૂણ ધવન અને તેના પિતા ડેવિડ ધવન હાલમાં આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે, જે અંતર્ગત તાજેતરમાં જ ફિલ્મનું ગીત ‘ચુનરી ચુનરી’ રિલીઝ કરાયું હતું. આ ગીત બોલિવૂડના જૂના આઇકોનિક ગીતનું રિમેક છે. આ ગીત બહાર આવતાની સાથે જ વાસુ ભગનાનીની કંપની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ' એ બોમ્બે હાઈકોર્ટમાં ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને ડેવિડ ધવન વિરૂદ્ધ કેસ ફાઈલ કરીને મોટો ઝટકો આપ્યો છે. વાસુ ભગનાનીના વકીલ ‘વી. કે. દુબે એસોસિએટ્સ’ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ કાનૂની નોટિસમાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલ, વિવાદિત ગીત ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવીને ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માંગ કરાઈ છે. પૂજા એન્ટરટેઈનમેન્ટનો આરોપ છે કે મેકર્સ પાસે આ ગીતોના ઓરિજિનલ ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ નહોતા અને ગેરકાયદેસર રીતે આ ગીતોમાંથી આર્થિક ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરાયો છે. જોકે, બીજી તરફ મ્યુઝિક કંપની ટિપ્સે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ આરોપોને પાયાવિહોણા અને તદ્દન ખોટા ગણાવ્યા છે.

વાસુ ભગનાનીની અદાલત સમક્ષ મુખ્ય શરતો

પૂજા એન્ટરટેઈનમેન્ટે અદાલત સમક્ષ માંગ કરી છે કે ફિલ્મની તમામ સામગ્રીમાંથી બંને ગીતો તાત્કાલિક હટાવવામાં આવે અને ફિલ્મના ટાઇટલને પણ બદલવામાં આવે. આ ઉપરાંત આ ગેરકાયદેસર ઉપયોગ બદલ 100 કરોડ રૂપિયાના નુકસાની વળતરની પણ માંગ કરાઈ છે. કોર્ટે કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી હોવાથી આગામી દિવસોમાં આ મામલે કડક સુનાવણી હાથ ધરાશે.