કાનૂની મુશ્કેલી: કોર્ટના આદેશ બાદ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો રણવીર સિંહ
- કર્ણાટક હાઈ કોર્ટે આપ્યો હતો આદેશ, 1 મહિનામાં માફી માગવાની શરતે કેસ રદ કર્યો
- ફિલ્મ 'કાંતારા'ની મિમિક્રી વિવાદમાં બોલિવુડ અભિનેતાએ માતાજી સમક્ષ માગી માફી
- કર્ણાટક હાઈ કોર્ટે આપ્યો હતો આદેશ, 1 મહિનામાં માફી માગવાની શરતે કેસ રદ કર્યો
સિટી ન્યુઝ @ મૈસૂર
બોલિવુડ અભિનેતા રણવીર સિંહ એક તરફ પોતાની આગામી ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે, ત્યારે બીજી તરફ ગઈ કાલે તે મૈસૂરના પ્રખ્યાત ચામુંડેશ્વરી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો. ફિલ્મ 'કાંતારા' ના એક સીનની મિમિક્રી કરવાના કારણે સર્જાયેલી કાયદાકીય સમસ્યામાં કર્ણાટક હાઈ કોર્ટે આપેલા આદેશનું પાલન કરવા તે અહીં આવ્યો હતો. અહેવાલો અનુસાર, રણવીર સિંહે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને દેવી સમક્ષ પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માગી હતી.
આ સમગ્ર વિવાદ ગયા વર્ષે ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના મંચ પરથી શરૂ થયો હતો. આ ફેસ્ટિવલ દરમિયાન રણવીર સિંહે ફિલ્મ 'કાંતારા' ના અભિનેતા રિષબ શેટ્ટીની પ્રશંસા કરતી વખતે ત્યાંના પવિત્ર 'દેવ નૃત્ય' ની મિમિક્રી કરી હતી. આ નૃત્ય સ્થાનિક પરંપરામાં ચામુંડા દેવીના પવિત્ર રૂપો સાથે જોડાયેલું હોવાથી, લોકોએ આક્રોશ વ્યક્ત કરીને આરોપ લગાવ્યો હતો કે રણવીરે દેવી-દેવતાઓ અને દક્ષિણની ધાર્મિક પરંપરાની મજાક ઉડાવી છે.
આ ધાર્મિક લાગણી દુભાવા બદલ બેન્ગલોરમાં રણવીર સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈ કોર્ટે રણવીર સિંહ સામેની પોલીસ ફરિયાદ રદ કરીને તેને મોટી રાહત આપી હતી, પરંતુ સાથે એક કડક શરત પણ મૂકી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે તેણે 1 મહિનાની અંદર મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરે રૂબરૂ જઈને માફી માગવી પડશે, જેના ભાગરૂપે અભિનેતા ગઈ કાલે મૈસૂર પહોંચ્યો હતો.
પવિત્ર શક્તિપીઠ ચામુંડેશ્વરી મંદિર
આ પવિત્ર મંદિર કર્ણાટકના મૈસૂરથી આશરે 13 કિલોમીટર દૂર ચામુંડી પર્વતો પર આવેલું છે. હિન્દુ ધર્મમાં આ મંદિરની ગણતરી અત્યંત પવિત્ર શક્તિપીઠોમાં કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અહીં માતા સતીના વાળ પડયા હોવાનું માનવામાં આવે છે.