Loading Please Wait !!!
ક્રિપ્ટોકરન્સી દ્વારા રશિયા-ઈરાનનો પ્રતિબંધોને મોટો પડકાર: ₹9.92 લાખ કરોડનો વેપાર

  • વૈશ્વિક બેંકિંગ સિસ્ટમથી અલગ સમાંતર નાણાકીય નેટવર્ક ઊભું કર્યું
  • 2025માં લેણદેણ 8 ગણું વધ્યું, દુનિયાની બેંકિંગ સિસ્ટમને બાજુ પર મૂકી
  • પ્રતિબંધિત દેશોએ ક્રિપ્ટો દ્વારા ઊભી કરી અદ્રશ્ય નાણાકીય પાઈપલાઈન

સિટી ન્યુઝ @ રાજકોટ 

રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશોએ દુનિયાની પરંપરાગત બેંકિંગ સિસ્ટમ અને આર્થિક પ્રતિબંધોને ફગાવી દેવા માટે ક્રિપ્ટોકરન્સીનો સહારો લઈને એક નવી સમાંતર નાણાકીય વ્યવસ્થા ઊભી કરી છે. 'ચેનાલિસિસ'ના રિપોર્ટ મુજબ, ૨૦૨૫માં આ દેશોએ ક્રિપ્ટો દ્વારા ૯.૯૨ લાખ કરોડ રૂપિયાનું જંગી લેણદેણ કર્યું છે, જે ૨૦૨૪ની સરખામણીએ ૮ ગણું વધુ છે. આ રકમનો ઉપયોગ માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ ડ્રોન, હથિયારોના સ્પેરપાર્ટ્સ અને સૈન્ય ટેકનોલોજી મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે.

રશિયાએ પોતાની રૂબલ સાથે જોડાયેલ 'A75' ટોકન સિસ્ટમ વિકસાવી છે, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો સરળતાથી થઈ રહ્યા છે. બીજી તરફ ઈરાન તેના તેલ વેચાણ માટે ડિજિટલ વોલેટનો ઉપયોગ કરીને વૈશ્વિક પ્રતિબંધોને ટક્કર આપી રહ્યું છે. ઉત્તર કોરિયાએ તો ક્રિપ્ટો ચોરીને જ પોતાના હથિયાર કાર્યક્રમનું મુખ્ય સાધન બનાવી દીધું છે. ૨૦૨૫માં લાઝારસ જૂથ દ્વારા કરવામાં આવેલી ૧૪,૩૧૦ કરોડની મોટી ચોરી સહિત, ૨૦૧૬થી અત્યાર સુધીમાં આ દેશ દ્વારા ૬.૭૫ અબજ ડોલરની ક્રિપ્ટો ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ આર્થિક ગેરરીતિઓમાં ચીનનું નેટવર્ક પણ સક્રિય છે, જે 'લોન્ડરિંગ-એઝ-એ-સર્વિસ' મોડેલ હેઠળ દરરોજ ૪,૨૦૦ કરોડ રૂપિયાની કાળી કમાણીને સફેદ કરી રહ્યું છે. આ ઉપરાંત, આ દેશોના ઓપરેટિવ્સે AI અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૪૦ દેશોની મોટી ટેક કંપનીઓમાં નકલી નોકરીઓ મેળવીને છેલ્લા બે વર્ષમાં ૨૬,૭૦૦ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું છે. આ આર્થિક નેટવર્ક હવે વૈશ્વિક સુરક્ષા માટે એક મોટો પડકાર બની રહ્યો છે.

આર્થિક તંત્ર અને જોખમો 

 પ્રતિબંધિત દેશો હવે બેંકિંગ ચેનલોને બદલે ક્રિપ્ટોકરન્સી દ્વારા સીધા જ સૈન્ય અને તેલના સોદા કરી રહ્યા છે. રશિયાએ પોતાના અર્થતંત્રને ડિજિટલ ટોકન સાથે જોડી દીધું છે, જ્યારે ચીની નેટવર્ક્સ મની-લોન્ડરિંગની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. ટેક કંપનીઓમાં ડીપફેક દ્વારા નોકરી મેળવીને ભંડોળ એકત્ર કરવાની પદ્ધતિએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સૈન્ય આધુનિકીકરણ અને આર્થિક પ્રતિબંધોની અસરોને નાબૂદ કરવાનો છે.