ઇરાન-અમેરિકા જંગમાં રશિયાની એન્ટ્રી: પુતિને મોકલ્યું પ્રલયકારી TU-214PU વિમાન
- તહેરાનને એકલું નહીં છોડવાનો મોસ્કોનો સ્પષ્ટ સંદેશ, મધ્ય-પૂર્વમાં વધ્યો તણાવ
- પરમાણુ યુદ્ધમાં પણ કાર્યરત રહેતું અત્યાધુનિક વિમાન ઇરાનને સુરક્ષા પૂરી પાડશે
- રિયલ ટાઇમ ઇન્ટેલીજન્સ શેરિંગ માટે રશિયા-ઇરાન વચ્ચે સૈન્ય સહકાર વધ્યો
સિટી ન્યુઝ @ તહેરાન
ઇરાન અને અમેરિકા વચ્ચેના વધતા સંઘર્ષની વચ્ચે રશિયાએ હવે સક્રિય એન્ટ્રી કરી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયાનું અત્યાધુનિક અને પ્રલયકારી એરવોર્ન કમાન્ડ એરક્રાફ્ટ 'TU-214PU' તહેરાન પહોંચ્યું છે. આ વિમાન વિશ્વના સૌથી સુરક્ષિત કમાન્ડ પોસ્ટ પૈકીનું એક ગણાય છે, જે પરમાણુ યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિમાં પણ કાર્યરત રહી શકે છે. મોસ્કોના આ પગલાને ઇરાનને અંધારામાં નહીં છોડવાના અને તેને દરેક સ્તરે સમર્થન આપવાના સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
TU-214PU એ સામાન્ય યાત્રી વિમાન TU-214 નું અત્યાધુનિક સંશોધિત સંસ્કરણ છે, જે અત્યાધુનિક સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક્સ અને સુરક્ષિત સંચાર પ્રણાલીથી સજ્જ છે. આ વિમાનમાં બે શક્તિશાળી PS-90A ટર્બોફેન એન્જિન છે અને તેની રેન્જ 7,000 કિલોમીટર સુધીની છે. છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇરાન વચ્ચે સૈન્ય, તકનીકી અને જાસૂસી ક્ષેત્રે સહકાર સતત વધી રહ્યો છે, જેમાં હવે રીયલ ટાઇમ ઇન્ટેલીજન્સ શેરિંગનો પણ સમાવેશ થાય છે.
વિશેષજ્ઞોના મતે, આ વિમાનની તહેરાન ઉપસ્થિતિ દ્વારા મોસ્કો અને તહેરાન હવે સીધો અને સુરક્ષિત સંપર્ક સાધી શકશે. રશિયન સેટેલાઇટ્સ અગાઉ પણ ઇરાનને અમેરિકી સૈન્ય થાણાંની માહિતી પહોંચાડવામાં મદદરૂપ રહ્યા છે. હવે આ સંયુક્ત વ્યૂહરચના અને ઇમર્જન્સી પ્લાનિંગ દ્વારા બંને દેશોએ પશ્ચિમ એશિયામાં પોતાની પકડ મજબૂત કરી છે. આ ઘટનાક્રમ મધ્ય-પૂર્વના યુદ્ધને એક નવા અને વધુ ગંભીર વળાંક પર લઈ ગયો છે.
TU-214PU: રશિયાનું આકાશમાં કમાન્ડ પોસ્ટ TU-214PU એ રશિયાના ટોચના રાજકીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ માટે તૈયાર કરાયેલું એક ખાસ વિમાન છે. તેમાં અત્યાધુનિક કોમ્યુનિકેશન લિંક્સ, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને ગંભીર સંઘર્ષ કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં પણ સુરક્ષિત રહેવાની ક્ષમતા છે. તે 850 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તેની ક્ષમતા તેને રશિયાના સૌથી સુરક્ષિત વિમાનોમાંનું એક બનાવે છે. આ વિમાનના તહેરાન આગમનથી રશિયા અને ઇરાન વચ્ચેના ગાઢ સૈન્ય સંબંધો અને વ્યૂહાત્મક એકતા સ્પષ્ટ થાય છે.