Loading Please Wait !!!
રશિયામાં ઇંધણની ગંભીર કટોકટી: યુક્રેનના હુમલાથી રશિયનો લાચાર

  • નોવોસિબિર્સ્ક પ્રદેશમાં વાહનોના ઉપયોગ પર કાપ, 90 ટકા વિસ્તારોમાં પેટ્રોલ રેશનિંગ
  • ઇંધણની અછત સર્જાતા સાઇબેરિયામાં 'વર્ક ફ્રોમ હોમ' લાગુ, કેનમાં પેટ્રોલ ભરવા પ્રતિબંધ
  • રશિયાનો યુક્રેન પર મિસાઇલ મારો, સુમી અને ઓડેસામાં નાગરિકોના મોત

સિટી ન્યુઝ @ સેન્ટ પીટર્સબર્ગ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે, જેમાં યુક્રેને રશિયાની આર્થિક કમર તોડવા માટે તેની ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ તેજ કર્યા છે. આ હુમલાઓને કારણે રશિયામાં ઇંધણની ગંભીર અછત સર્જાઈ છે. અહેવાલો અનુસાર, જૂન મહિનાથી રશિયાના 90 ટકાથી વધુ વિસ્તારોમાં ઇંધણની ભારે તંગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કેટલાક પેટ્રોલ પંપો પર રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે અને લોકો દ્વારા કેનમાં પેટ્રોલ ભરવા પર પણ કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ કટોકટીની સૌથી વધુ અસર સાઇબેરિયાના અગ્રણી આર્થિક હબ ગણાતા નોવોસિબિર્સ્ક પ્રદેશમાં જોવા મળી છે. ઇંધણની તંગીને પહોંચી વળવા માટે નોવોસિબિર્સ્ક સરકારે એક સત્તાવાર આદેશ જારી કરીને કંપનીઓને પોતાના કર્મચારીઓને રિમોટ વર્કિંગ (વર્ક ફ્રોમ હોમ) પર રાખવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, સ્થાનિક પ્રશાસને નાગરિકોને વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ વિનંતી કરી છે, જેથી બચી ગયેલા ઇંધણનો વપરાશ ઘટાડી શકાય.

બીજી તરફ, પોતાની રિફાઇનરીઓ પર થયેલા હુમલાથી ઉશ્કેરાયેલા રશિયાએ યુક્રેન પર ભીષણ વળતો પ્રહાર કર્યો છે. શનિવારે રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં 6 લોકોનાં મોત નિપજ્યા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. યુક્રેનના સુમી શહેરમાં બે ગ્લાઇડ બોમ્બ ખાબકતા 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઓડેસા અને ખાર્કિવમાં નાગરિક વિસ્તારો અને કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમિર ઝેલેન્સકીએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે એર રેઇડ એલર્ટ વાગે તે પહેલાં જ રશિયાના હુમલા નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી રહ્યા છે.

યુક્રેન પાસે એર ડિફેન્સની કટોકટી

રશિયાના સતત થઈ રહેલા ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સામે યુક્રેન હાલમાં હવાઈ સંરક્ષણ દારૂગોળાની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર નાગરિક વિસ્તારો પર ચેતવણી સાઇરન વાગે તે પહેલાં જ બોમ્બમારો થઈ રહ્યો છે જેના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થઈ રહ્યું છે.