Loading Please Wait !!!
REAAR-RBAનું સૂત્ર લોન્ચ બહાર નહીં, હવે ‘રોકાણ તો રાજકોટમાં જ’

  • સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ઈન્વેસ્ટમેન્ટ સુધી રાજકોટ ટોપ પર REAAR નું એલાન
  • રિયલ એસ્ટેટ ડાયલોગ્સમાં બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંસ્થાઓ એક મંચ પર
  • નિષ્ણાતોના એકસૂર : બહાર રોકાણમાં નૂકસાન રાજકોટમાં લાભ

સિટી ન્યૂઝ | રાજકોટ

સૌરાષ્ટ્રના આર્થિક અને વ્યાપારી પાટનગર સમાન રાજકોટ શહેર હવે રિયલ એસ્ટેટ અને રોકાણના ક્ષેત્રમાં પણ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડવા સજ્જ બન્યું છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ (REAAR) દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન (RBA) ના વિશેષ સહયોગથી ૧૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ શહેરના જાણીતા "સોલો ૪" રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલ ખાતે એક ભવ્ય અને માર્ગદર્શક કાર્યક્રમ 'Real Estate Dialogues' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક અને નવું સૂત્ર સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું - "રોકાણ તો રાજકોટમાં જ..."

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રાજકોટના મેયર નેહલભાઈ શુક્લાના વરહસ્તે આ સૂત્રનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. REAAR ના પ્રમુખ હિતેશ રાજદેવે સ્વાગત પ્રવચનમાં રાજકોટની ભૌગોલિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, "આજે આપણી પાસે અટલ સરોવર, કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ, સેકન્ડ રિંગ રોડ, આધુનિક સ્માર્ટ સિટી, હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ (AIIMS) હોસ્પિટલ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે. જ્યારે બહારથી આવતા લોકો પણ 'રંગીલા રાજકોટ' ના રંગમાં રંગાઈને અહીં સ્થાયી થવા માંગતા હોય, તો આપણે આપણા ધંધા કે રોકાણ માટે બહાર મહાનગરોમાં માઈગ્રેટ થવાની કોઈ જ જરૂર નથી."

આ કાર્યક્રમની સૌથી મોટી ખાસિયત એ રહી કે રિયલ એસ્ટેટ માર્કેટને બળ પૂરું પાડવા માટે રાજકોટની લગભગ તમામ મુખ્ય સંસ્થાઓ એક મંચ પર જોવા મળી હતી. આયોજકો ઉપરાંત રોટરી ક્લબ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, એડવોકેટ્સ એસોસિએશન અને BNI ના હોદ્દેદારો તથા પ્રતિષ્ઠિત બિઝનેસમેનોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમનું કુશળ મંચ સંચાલન પરિન ચગ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પેનલ ડિસ્કશનનું મોડરેશન REAAR ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ગઢવીએ સંભાળ્યું હતું.

તમામ મહાનુભાવોના સંવાદનો મુખ્ય નિષ્કર્ષ એ હતો કે રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક કેપિટલ છે. ઘણીવાર લોકો જોશમાં આવીને રાજકોટથી બહાર અન્ય મેટ્રો શહેરોમાં રોકાણ કરવા જાય છે, પરંતુ પૂરતા વળતર અને માર્ગદર્શનના અભાવે તેમને અસફળતા મળે છે. અંતે, રોકાણકારો માટે રાજકોટ જ સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત સાબિત થાય છે. કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ, મવડી, કોઠારિયા અને ભાવનગર રોડ જેવા વિસ્તારોમાં ચાલતા અસંખ્ય પ્રોજેક્ટ્સ રોકાણકારો માટે સોનેરી તક સમાન છે. કાર્યક્રમ અંતે REAAR ના સેક્રેટરી તુષારભાઈ મહેતાએ તમામ સહયોગી સંસ્થાઓ અને મહેમાનોનો આભાર માની આ ઐતિહાસિક સંકલ્પ સમારોહનું સમાપન કર્યું હતું.

પેનલ ડિસ્કશન: નિષ્ણાતોએ રિયલ એસ્ટેટનું વિઝન રજૂ કર્યું કાર્યક્રમમાં યોજાયેલા પેનલ ડિસ્કશનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજોએ રોકાણકારોને અત્યંત મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...

  • મુકેશભાઈ રોઢ (શેઠ બિલ્ડર્સ): દાયકાઓનો અનુભવ ધરાવતા શેઠ જણાવ્યું કે રાજકોટમાં રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં અપાર તકો છે. જો યોગ્ય વિઝન અને આયોજન સાથે ડેવલપમેન્ટ કરવામાં આવે તો અહીં અન્ય શહેરો કરતાં વધુ સુરક્ષિત અને સારું વળતર મળી શકે છે.

  • પરેશભાઈ ગજેરા (પ્રમુખ, RBA અને ચેરમેન, કેડાઈ ગુજરાત): તેમણે માર્ગદર્શન આપતા કહ્યું કે રાજકોટ આજે ચારેય દિશામાં હરણફાળ વિકાસ કરી રહ્યું છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, પ્લોટિંગ, ઈન્ડસ્ટ્રીયલ કે ખેતીની જમીન - દરેક ક્ષેત્રમાં જબરદસ્ત ડિમાન્ડ છે. અફોર્ડેબલ હાઈરાઈઝથી લઈને અતિ લક્ઝરી ફ્લેટ્સ માટે લોકો રાજકોટને પ્રથમ પસંદગી આપી રહ્યા છે.

  • ધ્રુવિકભાઈ તળાવિયા (ઉપપ્રમુખ, RBA અને જોઈન્ટ સેક્રેટરી, કેડાઈ ગુજરાત): અમદાવાદ અને રાજકોટ બંને જગ્યાએ સક્રિય એવા ધ્રુવિકભાઈએ સ્પષ્ટ કર્યું કે રોકાણ માટે તેમનું સૌથી પ્રિય અને લાભદાયક સ્થળ રાજકોટ જ રહ્યું છે, કારણ કે રાજકોટ હંમેશા નવી ડિમાન્ડ સાથે રિયલ એસ્ટેટમાં 'ટ્રેન્ડ સેટર' (Trend Setter) સાબિત થયું છે.

  • નિખિલભાઈ પટેલ (મેનેજિંગ ડિરેક્ટર, ડેકોરા ગ્રુપ): મોટા કાર્પેટ સાઈઝના ફ્લેટો અને લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સના આ ટ્રેન્ડ સેટર બિલ્ડરે જણાવ્યું કે, રાજકોટની જનતા લાઈફસ્ટાઈલ અને લિવિંગ સ્ટાન્ડર્ડની બાબતમાં ખૂબ જ શોખીન છે. તેમની આ યુનિક ડિમાન્ડને કારણે જ તેમને અવનવા લક્ઝરી પ્રોજેક્ટ્સ લાવવાની પ્રેરણા મળે છે. રાજકોટમાં રોકાણ સર્વશ્રેષ્ઠ છે.