જયા કિશોરીજીની ’સનાતન યુવા કથા’માં ટી.રાજાસિંગ આપશે હાજરી
આયોજકો દ્વારા રૂબરૂ આમંત્રણ અપાતા 29 સપ્ટેમ્બરે રાજકોટમાં ઉપસ્થિત રહેવાની આપી સંમતિ
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટના આંગણે આગામી દિવસોમાં એક અભૂતપૂર્વ અને દિવ્ય આધ્યાત્મિક મહોત્સવ આકાર લેવા જઈ રહ્યો છે. રાજકોટની પવિત્ર ધરા પર આગામી તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રિદિવસીય ભવ્ય અને ભક્તિસભર ’સનાતન યુવા કથા’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં આધ્યાત્મિક ચેતના અને સનાતન સંસ્કારોનો નવો સંચાર કરશે.
આ પાવન કથાના મુખ્ય વક્તા તરીકે વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક પ્રવક્તા, પ્રખર કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીજી પધારી રહ્યા છે. ખૂબજ નાની ઉંમરથી આધ્યાત્મિકતાના માર્ગે વળીને, પોતાની મધુર વાણી અને પ્રેરણાદાયી વિચારોથી દેશ-વિદેશના લાખો-કરોડો યુવાનો અને પરિવારોને સનાતન સંસ્કૃતિ, ઉચ્ચ સંસ્કારો અને સન્માર્ગ તરફ પ્રેરિત કરનાર જયા કિશોરીજીના મુખેથી વહેનારી જ્ઞાનગંગાનો લ્હાવો લેવો એ રાજકોટવાસીઓ સહિત સમગ્ર ધર્મપ્રેમી જનતા માટે એક અનમોલ અવસર બની રહેશે, તેમના ભજનો અને પ્રેરણાદાયી વિચારો માનવ જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે છે.
આ ગરિમામય આયોજનના ભાગરૂપે કટ્ટર હિન્દુ સમ્રાટ, અખંડ આર્યાવર્ત પ્રદેશના સ્વપ્નદ્રષ્ટા અને મહા યોદ્ધા તરીકે જાણીતા હૈદરાબાદના ટાઈગર ગણાતા ટી.રાજાસિંગજીને આ કથામાં ઉપસ્થિત રહેવા માટે સનાતન યુવા કથા સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આયોજક સમિતિના હોદ્દેદારો સર્વ ભરતભાઈ દોશી, વિજયભાઈ વાંક અને યોગિનભાઈ છનિયારા દ્વારા ટી.રાજાસિંગજીની રૂબરૂ મુલાકાત કરીને તેમને આ ’સનાતન યુવા કથા’માં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં ટી.રાજાસિંગે ૨૯ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે કથામાં હાજરી આપવા માટે સહમતી આપી હતી.
આ ભવ્ય કથાભક્તિરસ અને આધ્યાત્મિક ચેતનાથી સભર મહોત્સવને સફળ બનાવવા માટે આયોજક સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ અને આજુબાજુના તમામ ધર્મપ્રેમી ભાઈઓબહેનોને આ દિવ્ય ભક્તિરસ તથા જ્ઞાનગંગાનો લાભ લેવા આયોજકો દ્વારા સહપરિવાર પધારવા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.