Loading Please Wait !!!
હોર્મુઝની ખાડીમાં યુદ્ધનું તાંડવ: UAEના ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો

  • હુમલામાં એક ભારતીયનું મોત, 8 ઘાયલ: મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ
  • બે ઓઈલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલનો પ્રહાર, વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું
  • UAEના ટેન્કરોને નિશાન બનાવતા પ્રાદેશિક સ્થિરતા સામે મોટું જોખમ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા ભીષણ સૈન્ય સંઘર્ષે ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કર્યો છે. સંયુક્ત અરબ અમીરાતના બે ઓઈલ ટેન્કરો - 'મોમ્બાસા' અને 'અલ બાહિયા' પર ક્રૂઝ મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોમાં 6 ભારતીય અને 2 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.

યુએઈના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે અને પ્રાદેશિક સ્થિરતાને નુકસાન પહોંચાડનારા તત્વોને જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. મિસાઈલ હુમલા બાદ જહાજોમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ ક્રૂ મેમ્બર્સની સમયસૂચકતાને કારણે મોટી વૈશ્વિક સમુદ્રી હોનારત ટળી હતી. વધુમાં, યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીએ પણ ઓમાન નજીક વધુ એક ટેન્કર પર હુમલાની પુષ્ટિ કરી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં યુદ્ધની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

આ હુમલા બાદ વૈશ્વિક બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેલ સપ્લાયની સાંકળ પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને લઈને ભારે રાજકીય અને સૈન્ય ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાદેશિક શાંતિ અને નાગરિકોની સુરક્ષાને લઈને વિશ્વભરના દેશોએ ત્વરિત પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.