વાંકાનેર રેલ્વેમાં સુરક્ષાના ધજાગરા 4.80 લાખના ભારેખમ વાયર ડ્રમ ગાયબ
રાત આખી ઊંઘતી રહી અહીંયા કાયદાની દીવાલ, ને તસ્કરો કરી ગયા લાખોની મતાનો સવાલ. ભારેખમ ડ્રમ ઉપાડી ગયા એ પૂર્વ આયોજનની વાત છે, વાંકાનેર રેલ્વે સ્ટેશને સુરક્ષાની આવી જ હાલત છે!
સિટી ન્યૂઝ | વાંકાનેર
વાંકાનેર રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે. રેલ્વે કોલોની પાસેથી રૂપિયા ૪.૮૦ લાખના કિંમતી ઈલેક્ટ્રિક વાયરના ત્રણ ભારેખમ ડ્રમની ચોરી થતાં રેલ્વે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા તસ્કરો સુરક્ષિત મનાતા વિસ્તારમાંથી આટલા વિશાળ ડ્રમ ચોરી કરી આસાનીથી ફરાર થઈ ગયા છે. આ ચકચારી ઘટનાને પગલે રેલ્વે સુરક્ષા દળ (RPF) એ ગુનો નોંધીને ચોરોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલ્વે વિભાગના વિવિધ ટેકનિકલ કામો માટે વાંકાનેર રેલ્વે કોલોની નજીક કિંમતી ઈલેક્ટ્રિક વાયરના આ વિશાળ ડ્રમ સંચિત કરીને રાખવામાં આવ્યા હતા. આટલા ભારે અને મોટા કદના ડ્રમની ચોરી કરવી એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે એકલા હાથે કે પૂર્વ આયોજન વગર શક્ય જ નથી. આથી, આ સમગ્ર ઘટનામાં કોઈ સ્થાનિક અથવા રેલ્વેની ગતિવિધિઓથી વાકેફ જાણભેદુ સામેલ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ચોરોને વાયર ક્યાં રાખવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષાની સ્થિતિ કેવી છે, તેની ચોક્કસ માહિતી અગાઉથી જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
આ ચકચારી ચોરીના બનાવ અંગે વિગતો આપતા RPF ના DSC (ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર) એ જણાવ્યું હતું કે, આ ચોરીની ઘટના ધ્યાને આવતા જ RPF દ્વારા ગત તારીખ ૧૧ ના રોજ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરાયેલા કુલ ત્રણ ડ્રમની અંદાજિત કિંમત રૂપિયા ૪.૮૦ લાખ જેટલી થાય છે. હાલ આ મામલે રેલ્વે પોલીસ અને RPF ની ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી વિગતો જાહેર કરવામાં આવશે.