વાંગચુકની 17 દિવસથી ભૂખ હડતાળ છતાં સરકાર મૌન
- ચિંતા વધી: કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું, સરકારને ચિંતા નથી
- ઉદ્ધવ, મહુઆ, અભિલેશે ભૂખ હડતાળ સમેટી લેવા અપીલ કરી
- જંતર-મંતર પર ભૂખ હડતાળથી 8.2 કિલો વજન ઘટી ગયું
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો આજે ૧૭મો દિવસ છે. તેમની તબિયત સતત બગડી રહી છે. તેમનું ૮.૨ કિલો વજન ઘટી ગયું છે. સપા ચીફ અભિલેશ યાદવ, શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ સોનમને ભૂખ હડતાળ સમેટી લેવાની માંગ કરી છે. જ્યારે અભિનેતા નસીરુદ્દીન શાહ, લેખિકા અરુંધતી રોય સહિત અનેક અગ્રણી હસ્તીઓએ પણ આંદોલનની માંગણીઓને સમર્થન આપતા વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) પરીક્ષાઓમાં ગોટાળાના આરોપો અને NEET પેપર લીક થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. આ પ્રદર્શનમાં સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ સામેલ છે. વાંગચુક ૨૮ જૂનથી ભૂખ હડતાળ કરી રહ્યા છે.
અભિલેશ યાદવ જે ભાજપ સરકારને તેઓ પોતાના આમરણ ઉપવાસથી જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે સિદ્ધાંતવિહીન અને ભ્રષ્ટ વ્યવસ્થા બની ગઈ છે. આટલી અસંવેદનશીલ અને નિર્મમ સરકાર માટે કોઈનો પણ બલિદાન મહત્વ રાખતું નથી. આવા લોકો પાસેથી સંવેદનશીલતા કે હૃદય પરિવર્તનની અપેક્ષા રાખવી સંપૂર્ણપણે વ્યર્થ છે.
મહુઆ મોઈત્રા સોનમ સર, તમારા ઉપવાસે આ દેશના યુવાનોને ન્યાયની લડાઈમાં એકજૂટ કર્યા છે. તમારું લક્ષ્ય પૂરું થઈ ગયું છે. સરકારને તમારા કરોડો યુવાનોના જીવનની કદર નથી. પરંતુ તમારું જીવન અમારા માટે મહત્વ રાખે છે. ઉપવાસ સમેટી લો અને લડાઈ ચાલુ રાખો.
અરવિંદ કેજરીવાલ હું ૧૬ જુલાઈ સાંજે ૫ વાગ્યે જંતર-મંતર જઈને સોનમ વાંગચુક અને CJP ના પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરીશ અને મારું સમર્થન આપીશ.
ઉદ્ધવ ઠાકરે અમે, શિવસેના તરફથી, સોનમ વાંગચુક અને અભિજીત દીપકના આંદોલનને અમારો ટેકો આપીએ છીએ. દીપકે સાથે ફોન પર વાત કરીને સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે દિલથી અપીલ કરી.
અભિજીત દીપક તેમના સ્નાયુઓ નબળા પડવા લાગ્યા છે અને તેમને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. બાકી બધાની જેમ, મેં પણ તેમને પોતાના ઉપવાસ સમાપ્ત કરવાની વિનંતી કરી. તેમણે શાંતિથી જવાબ આપ્યો- મને ઉપવાસ સમાપ્ત કરવા માટે ન કહો. સરકારને પૂછો કે તેઓ વાતચીત કેમ નથી કરી રહ્યા.
ઝીનત અમાન વાંગચુક એક પ્રતિભાશાળી અને સમર્પિત વ્યક્તિ છે, જેમને સમાજ પર તેમની અસર માટે વિશ્વભરમાં ઘણા જાણીતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું ભારત સરકારને આ મુદ્દે વાતચીત શરૂ કરવા અપીલ કરું છું. આપણે એવો સમાજ ન બનવો જોઈએ, જે ચૂપચાપ બેસીને પોતાના શ્રેષ્ઠ દિમાગમાંથી એકને બલિદાન થતા જોતો રહે.