અમેરિકામાં H-4 વિઝા વર્ક પરમિટ રદ કરવાની તૈયારી: ભારતીયો પર લટકતી તલવાર
-
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-4 EAD વર્ક પરમિટ રદ કરવા ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો
-
2014 થી 2017 વચ્ચે વર્ક પરમિટ મેળવનારાઓમાં 93% ભારતીયો અને 94% મહિલાઓ હતી
-
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા 2015 નો જૂનો નિયમ પલટાવવાની કવાયત
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકામાં રહેતા H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા ધારકો) માટે કાયદેસર નોકરી કરવાનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-4 વિઝા ધારકોની વર્ક પરમિટ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) નાબૂદ કરવા માટે એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો આ દરખાસ્ત અમલમાં આવશે તો વર્ષ 2015 થી ચાલતી 10 વર્ષ જૂની વ્યવસ્થા રદ થશે અને હજારો લોકોને નોકરી કરતા અટકાવવામાં આવશે.
આ સંભવિત નિર્ણયની સૌથી ગંભીર અસર અમેરિકામાં વસતા ભારતીય પરિવારો પર પડશે. ઉપલબ્ધ સરકારી આંકડા અનુસાર H-4 વિઝા પર વર્ક પરમિટ મેળવનારાઓમાં 93% ભારતીયો હતા, જેમાં 94% મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત USCIS ના વર્ષ 2024 ના ડેટા મુજબ મંજૂર થયેલી કુલ H-1B પિટિશનમાં ભારતીય પ્રોફેશનલ્સનો હિસ્સો 71% જેટલો નોંધાયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) હવે આ રાહત પાછી ખેંચવા વિચારણા કરી રહ્યું છે.
હાલમાં આ નિર્ણય માત્ર પ્રસ્તાવના ચરણમાં છે અને તેનો તત્કાલ અમલ શરૂ થયો નથી. નિયમ લાગુ કરતાં પહેલાં DHS દ્વારા ફેડરલ રજિસ્ટરમાં ઔપચારિક નોટિસ જારી કરી જાહેર જનતાના મંતવ્યો લેવામાં આવશે અને ત્યારબાદ જ આખરી ગેઝેટ બહાર પડાશે. ત્યાં સુધી H-4 ધારકો હાલના નિયમો મુજબ કાયદેસર રીતે પોતાની નોકરી ચાલુ રાખી શકશે. અગાઉ 2017 માં પણ આવો પ્રસ્તાવ મુકાયો હતો, જેને 2021 માં પાછો ખેંચી લેવાયો હતો.
H-4 EAD રદ કરવા ઉપરાંત ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝાના નિયમો પણ વધુ કઠિન બનાવવાની યોજના ધરાવે છે. DHS દ્વારા નવા H-1B કર્મચારીઓ માટે $1,03,265 જેટલી ઊંચી ફી લાદવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ સાથે જ નોકરી છૂટ્યા બાદ નવો એમ્પ્લોયર શોધવા માટે અત્યાર સુધી મળતા 60 દિવસના ગ્રેસ પિરિયડને પણ સમાપ્ત કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો EAD વગર H-4 વિઝા ધારકો અમેરિકામાં રહી શકશે, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે અને બેંક ખાતું ચલાવી શકશે, પરંતુ કાયદેસર રીતે કોઈ જગ્યાએ નોકરી કરી શકશે નહીં. પરિણામે ડબલ આવક પર નિર્ભર અનેક ભારતીય પરિવારો માટે મોટો આર્થિક બોજ ઊભો થશે.
H-4 વર્ક પરમિટ રદ કરવાની વિચારણા
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B ના જીવનસાથીઓની H-4 EAD વર્ક પરમિટ નાબૂદ કરવાનો નવો પ્રસ્તાવ મુકાયો છે. જેનાથી 93% ભારતીય EAD ધારકો ખાસ કરીને મહિલાઓની નોકરી પર જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત $1,03,265 ફી અને 60 દિવસનો ગ્રેસ પિરિયડ રદ કરવાની પણ કવાયત હાથ ધરાઈ છે જેથી પરિવારો પર આર્થિક બોજ વધશે.