Loading Please Wait !!!
રાજકોટ મનપાનું મહાકૌભાંડ: ગરીબો છત માટે રઝળે છે અને લાડકાઓને પધરાવી દેવાયા બબ્બે આવાસા !

  • સચોટ પુરાવાઓ સામે આવવા છતાં ઉચ્ચ અધિકારીઓના આંખ આડા કાન: મ્યુનિ.કમિશનર અજાણ કે પછી કાર્યવાહી કરવામાં પાછીપાની?

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. એક તરફ શહેરમાં હજારો ગરીબ અને બેઘર લોકો પોતાના હકના ઘર માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ મનપાના બાબુઓની મિલીભગતમાં ૧૧ જેટલી વ્યક્તિઓને બે-બે સરકારી આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. અગાઉ હાર્દિક જોશી નામના વ્યક્તિને બે આવાસ મળવાની ઘટના સામે આવ્યા બાદ, હવે વધુ ૧૦ લોકોના નામ સચોટ પુરાવા સાથે સામે આવતા મનપામાં ભારે ખળભળાટ મચી ગયો છે. કુલ ૧૧ વ્યક્તિઓને ૨૨ આવાસ પધરાવી દઈને ગરીબોના હક પર સીધી તરાપ મારવામાં આવી છે.

આ સમગ્ર કૌભાંડ મનપાની વેરિફિકેશન સિસ્ટમની પોલ ખોલી નાખી છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે એક જ નામની વ્યક્તિને અલગ-અલગ બે જગ્યાએ આવાસ ફાળવવામાં આવ્યા ત્યારે આવાસ વિભાગના લેભાગુ અધિકારીઓ શું કરી રહ્યા હતા? આ માત્ર સિસ્ટમની નબળાઈ છે કે પછી ટેબલ નીચેથી વહીવટ કરીને ચોક્કસ ‘સિસ્ટમ’ ગોઠવવામાં આવી છે? આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા કૌભાંડના સચોટ પુરાવાઓ હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. શું રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ સમગ્ર મામલાથી સાવ અજાણ છે કે પછી ભીનું

સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે?

આ કૌભાંડમાં ખુલ્લા પડેલા નામો અને સ્થળોની વિગતો ચોંકાવનારી છે. હાર્દિક જોશી (મવડી અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ) ઉપરાંત અન્ય ૧૦ લોકોને પાસ બબ્બે મકાનોની ફાળવણી થઈ છે. જેમાં જયેશકુમાર નગવાડિયા, બીનાબેન જેઠવા અને અલકાબેન કોટકને રાણી ટાવર તથા હેવલોક એપાર્ટમેન્ટ પાસે બબ્બે આવાસ ફાળવાયા છે. કમલજીતસિંહ ઝાલા, ગગજીભાઈ મીઠાપરા, ભાવનાબેન ઉપાધ્યાય અને રચના શેઠને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને પુનિત પાર્ક (વાવડી) ખાતે બે-બે આવાસ અપાયા છે. આ ઉપરાંત મનીષાબેન જોટંગીયા (સ્માર્ટ ઘર અને લાઈટ હાઉસ), પ્રવિણસિંહ ગોહિલ (સ્માર્ટ ઘર અને રાણી ટાવર) તથા વાલીબેન મકવાણા (પુનિત પાર્ક અને સ્માર્ટ ઘર) ના નામે પણ અલગ-અલગ બે આવાસ બોલી રહ્યા છે.

આ તમામ ૧૧ નામો અને તેમને ફાળવાયેલા આવાસોની વિગતોએ મનપાના કહેવાતા પારદર્શક વહીવટના લિરેલીરા ઉડાડી દીધા છે. કોના આશીર્વાદથી આ ખેલ ખેલાયો અને ગરીબોના મકાનો કોના ખિસ્સા ભરવા માટે અન્યને પધરાવી દેવાયા, તેની તસત્ય તપાસ થાય તે અત્યંત જરૂરી છે. જો આ મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને વગદાર માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. જનતા હવે તંત્ર દ્વારા કડક અને પારદર્શક કાર્યવાહીની રાહ જોઈ રહી છે.

  • આવાસ વિભાગના ચેર્મન દિલિપ લુણાગરીયાએ કહ્યું
  • તમામના એક-એક આવાસ રદ કરાશે

આવાસ કૌભાંડ મામલે જે લાભાર્થીને બે બે આવાસ મળેલા છે તે લાભાર્થી કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા. એક આવાસ પરત આપવા લાભાર્થી મનીષાબેન જોટંગીયા પતિ વિનુભાઈ પહોંચ્યા આવાસ વિભાગના ચેરમેન પાસે. મનીષાબેન જોટંગીયાને એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં મળેલ છે તો બીજું આવાસ સીતાજી ટાઉનશિપમાં મળ્યું છે. લાભાર્થી જે તે સમયે અધિકારી કૌશિક ઉનાવાને મળ્યા હતા. આવાસ વિભાગના ચેરમેન દિલિપ લુણાગરીયાએ કહ્યું બે બે આવાસ હોય તે તમામને ફોન કરીને એક એક આવાસ રદ કરાશે. સમગ્ર મામલે ક્યાં ક્યાં અધિકારીઓની સંડોવણી છે તે મામલે આવાસ વિભાગના ચેરમેને તપાસના આદેશ આપ્યા.

  • 11 વ્યક્તિઓને 22 આવાસની ફાળવણી થતાં ખળભળાટ મનપાની સિસ્ટમમાં ‘સેટિંગ’ કે વેરિફિકેશનમાં મોટી ચૂક?
  • કયા અને કોને બે-બે આવાસ ફાળવ્યા? તેની સંપૂર્ણ માહિતી

૧) હાર્દિક અશોકભાઈ જોશી એક આવાસ મવડી વિસ્તાર , બીજું આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં

૨) જયેશકુમાર વસંતરાય નગવાડિયા એક આવાસ રાણી ટાવર પાસે , બીજું આવાસ હેવલોક એપાર્ટમેન્ટ પાસે

૩) કમલજીતસિંહ ભૂપતસિંહ ઝાલા એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં , બીજું આવાસ પુનિત પાર્ક પાસે વાવડી વિસ્તાર

૪) મનીષાબેન વિનોદભાઈ જોટંગીયા એક આવાસ સ્માર્ટ ઘર પ્રોજેક્ટ , બીજું આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં

૫) બીના બિપુભાઈ જેઠવા એક આવાસ રાણી ટાવર પાસે , બીજું આવાસ હેવલોક એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ પાસે

૬) ગગજીભાઈ જગાભાઈ મીઠાપરા એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં , બીજું આવાસ પુનિત પાર્ક પાસે વાવડી વિસ્તાર

૭) પ્રવિણસિંહ જોરૂમા ગોહિલ એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં , બીજું આવાસ રાણી ટાવર પાસે

૮) અલકાબેન ભાવેશભાઈ કોટક એક આવાસ રાણી ટાવર પાસે , બીજું આવાસ હેવલોક એપાર્ટમેન્ટ પાસે

૯) ભાવનાબેન ભરતભાઈ ઉપાધ્યાય એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં, બીજું આવાસ પુનિત પાર્ક પાસે વાવડી વિસ્તાર

૧૦) વાલીબેન પ્રવીણભાઈ મકવાણા એક આવાસ પુનિત પાર્ક પાસે વાવડી વિસ્તાર,બીજું આવાસ સ્માર્ટ ઘર પ્રોજેક્ટમાં

૧૧) રચના હિરેન શેઠ એક આવાસ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં, બીજું આવાસ પુનિત પાર્ક પાસે વાવડી વિસ્તાર