Loading Please Wait !!!
ધારમાં મધરાત્રિએ મચી ચીસારીઓ: શ્રમિકોથી ભરેલી પિકઅપ વાન પલટી જતાં 12ના મોત, મૃતકોમાં 2 માસૂમ બાળકો પણ સામેલ

 

  • ચીકલિયા પાસે રિલાયન્સ પંપ નજીક સર્જાયો કાળમુખો અકસ્માત- ક્ષમતા કરતા વધુ 35 મજૂરો સવાર હોવાથી સર્જાઈ દુર્ઘટના

  •  વાહન નીચે અનેક મજૂરો ચગદાયા- 13 થી વધુ શ્રમિકોની હાલત ગંભીર; હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

  • ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન બની કાળ- અંધારામાં બચાવ કામગીરી માટે ઉમટી પડ્યા સ્થાનિકો; પોલીસે હાથ ધરી તપાસ

    ધાર : મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બુધવારે રાત્રે એક અત્યંત ભીષણ અને દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ચીકલિયા પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક શ્રમિકોને લઈને જઈ રહેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે, જેમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાન પલટી જતાં અનેક શ્રમિકો તેની નીચે ચગદાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ ચીસારીઓ અને અફરાતફરી મચી ગઈ હતી.

    પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાના સુમારે બની હતી. પિકઅપ વાનમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતા અનેકગણા વધુ એટલે કે અંદાજે ૩૦ થી ૩૫ જેટલા શ્રમિકો સવાર હતા. ઓવરલોડ હોવાને કારણે ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પલટી ખાતા પહેલા આ બેકાબૂ વાને ત્યાંથી પસાર થતી એક સ્કોર્પિયો ગાડીને પણ જોરદાર ટક્કર મારી હતી. વાન પલટી જતાં જ અંદર બેઠેલા મજૂરો રોડ પર ફંગોળાયા હતા અને કેટલાક વાહનની નીચે જ દબાઈ ગયા હતા.

    દુર્ઘટનાના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી વાન નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૨ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય ૧૩ મજૂરોને ગંભીર હાલતમાં ધારની જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

    અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધાર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં વાહનની ક્ષમતા કરતા વધુ મુસાફરો અને તેજ ગતિ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાહન ચાલકની બેદરકારી સામે અકસ્માતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ દુર્ઘટનાએ ફરી એકવાર શ્રમિકોના પરિવહન માટે વપરાતા વાહનોમાં સુરક્ષાના અભાવ અને ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરવાની જોખમી પ્રથા સામે લાલબત્તી ધરી છે. મૃતકોના પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે અને વહીવટીતંત્રે મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા તેજ કરી છે. ધાર જિલ્લા કલેક્ટરે પણ આ મામલે તપાસના આદેશ આપી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે.