Loading Please Wait !!!
ગરમી સામે દુનિયાના અનોખા પ્રયોગો: અમેરિકાએ રસ્તાઓ સફેદ કર્યા તો સ્પેને હીટ વેવનું નામ રાખ્યું ‘ઝો’, ભારત માટે મોટો બોધપાઠ

 

  • વિકસિત દેશોની ‘કૂલ’ વ્યૂહરચના- AI અને વિશેષ ગરમી અધિકારીઓની નિમણૂક દ્વારા હીટ વેવ સામે છેડાયું જંગ

  • એસી વગર ઘરને ઠંડુ રાખવાની ‘પેસિવ કૂલિંગ’ ટેકનિક- ડેનમાર્કથી લઈને નોર્વે સુધી સ્થાપત્ય કલામાં ક્રાંતિકારી ફેરફાર

  •  ડામરની ગરમી ઘટાડવા પશ્ચિમી દેશોના માસ્ટરપ્લાન- હવામાં ઠંડા પાણીનો છંટકાવ અને સ્માર્ટ સેન્સર્સથી તાપમાન પર કાબૂ

    નવી દિલ્હી: ભારતમાં જ્યારે ગરમીએ માઝા મૂકી છે, ત્યારે દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશો પણ ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચી શક્યા નથી. અમેરિકા, યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં હવે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે. જોકે, આ દેશોએ માત્ર એસી (AC) પર નિર્ભર રહેવાને બદલે લાંબા ગાળાના એવા ઉપાયો અમલમાં મૂક્યા છે જે આશ્ચર્યજનક અને અસરકારક છે. માયામી અને એથેન્સ જેવા શહેરોએ તો હવે ‘હીટ ઓફિસર’ની નિમણૂક કરી છે, જેનું કામ માત્ર ગરમી સામે લડવાના પ્લાનિંગ કરવાનું છે.

    અમેરિકાના ન્યૂ યોર્ક અને લોસ એન્જલસમાં 'એક્ટિવ કૂલિંગ' પર ભાર મુકાયો છે. અહીં ડામરના કાળા રસ્તાઓ સૂર્યની ગરમી વધુ શોષે છે, તેથી રસ્તાઓ પર સફેદ કોટિંગ કરવામાં આવ્યું છે. આ પ્રયોગથી રસ્તાની આસપાસનું તાપમાન 10°C સુધી ઘટી ગયું છે. તેવી જ રીતે, મકાનોની છતને સફેદ રંગથી રંગવાથી સૂર્યના 90% કિરણો પરાવર્તિત થઈ જાય છે, પરિણામે એસીના વપરાશમાં 30% સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સ્પેનના સેવિલે શહેરે વાવાઝોડાની જેમ હીટ વેવનું નામકરણ શરૂ કર્યું છે જેથી લોકો તેને ગંભીરતાથી લે.

    યુરોપના સ્કેન્ડિનેવિયન દેશો જેમ કે ડેનમાર્ક અને સ્વીડન ‘પેસિવ કૂલિંગ’ એટલે કે નિષ્ક્રિય ઠંડકનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં ઇમારતોનું બાંધકામ એવી રીતે કરવામાં આવે છે કે ગરમ હવા કુદરતી રીતે ‘સ્ટેક ઇફેક્ટ’ દ્વારા ઉપરના ભાગમાંથી બહાર નીકળી જાય. મકાનોની દીવાલો 40 સેમી જેટલી જાડી અને ખાસ ઇન્સ્યુલેશન મટિરિયલથી બનેલી હોય છે, જે બહારની લૂને અંદર પ્રવેશવા દેતી નથી. ડેનમાર્કની ‘UN City’ જેવી ઇમારતો બહાર 30°C તાપમાન હોય તો પણ અંદર કુદરતી રીતે 22°C તાપમાન જાળવી રાખે છે.

    પર્યાવરણ અને ટેકનોલોજીનો સંગમ પણ જોવા જેવો છે. પેરિસ શહેરે વર્ષ 2026 સુધીમાં 1.70 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાંથી 1.13 લાખ વૃક્ષો તો વવાઈ પણ ચૂક્યા છે. ઓસ્ટ્રિયામાં નવી ઇમારતોની છત પર હરિયાળી ઉગાડવી હવે કાયદેસર રીતે ફરજિયાત છે. સ્પેનના બાર્સેલોનામાં મેટ્રો સ્ટેશનોને ઠંડા રાખવા માટે AI નો ઉપયોગ થાય છે, જે રિયલ-ટાઇમ ડેટાના આધારે પંખાઓની ગતિ નિયંત્રિત કરે છે. આ સિસ્ટમથી માત્ર તાપમાન જ નથી ઘટ્યું, પરંતુ દર વર્ષે કરોડો રૂપિયાની વીજળીની બચત પણ થાય છે.

    ભારત જેવા દેશો જ્યાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં છે, ત્યાં આ પશ્ચિમી મોડલ્સ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને સફેદ છત અને ગ્રીન બિલ્ડિંગની વિભાવના ભારતીય શહેરોમાં ગરમીનું પ્રમાણ ઘટાડવામાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. વિકસિત દેશોએ સાબિત કર્યું છે કે ગરમી સામે લડવા માટે માત્ર ટેકનોલોજી જ નહીં, પણ પરંપરાગત સમજદારી અને આર્કિટેક્ચરલ ફેરફારો પણ એટલા જ જરૂરી છે.