Loading Please Wait !!!
પેટ્રોલના મોંઘા ભાવથી મળશે મુક્તિ? સરકારનો માસ્ટરપ્લાન: હવે 100% ઈથેનોલથી દોડશે તમારા વાહનો

 

  • રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બહાર પાડ્યું ડ્રાફ્ટ નોટિફિકેશન- E100 અને B100 ઈંધણ માટે નવા નિયમોનો પ્રસ્તાવ

  •  ટુ-વ્હિલરથી લઈને ટ્રક સુધીના તમામ વાહનો માટે બદલાશે ઈંધણના ધોરણો- જાણો ગડકરીના મંત્રાલયનો નવો ડ્રાફ્ટ

  •  બાયોડીઝલ અને ઈથેનોલ બ્લેન્ડિંગમાં મોટો ઉછાળો- 3500 કિલો સુધીના વાહનો માટે ઉત્સર્જનના નવા નિયમો જાહેર

    નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલના વધતા ભાવ અને કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે એક ઐતિહાસિક કદમ ઉઠાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ૨૭ એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પ્રસ્તાવ મુજબ, દેશમાં વાહનોને માત્ર પેટ્રોલ પર જ નહીં પરંતુ ૧૦૦ ટકા ઈથેનોલ પર ચલાવવા માટેના કાયદાકીય અને ટેકનિકલ માળખાને મંજૂરી આપવામાં આવશે. જો આ પ્રસ્તાવ અમલી બનશે, તો આગામી સમયમાં ભારતીય રસ્તાઓ પર પ્રદૂષણ મુક્ત અને સસ્તું ઈંધણ ઉપલબ્ધ થશે.

    સરકારના નવા ડ્રાફ્ટમાં ફ્યુઅલ ક્લાસિફિકેશનને સંપૂર્ણપણે અપડેટ કરવાની વાત છે. અત્યાર સુધી જે પેટ્રોલ E10 કે E20 તરીકે ઓળખાતું હતું, હવે તેમાં E85 અને E100 (૧૦૦% ઈથેનોલ) જેવી કેટેગરીનો પણ સમાવેશ થશે. તેવી જ રીતે, ડીઝલ વાહનો માટે બાયોડીઝલની મર્યાદા B10 થી વધારીને B100 સુધી કરવાની દરખાસ્ત છે. આ ફેરફારથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલનો ઉપયોગ વધશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને વિદેશી મુદ્રાની પણ બચત થશે.

    આ ફેરફાર ધીમે ધીમે લાગુ કરવામાં આવશે કારણ કે હાઈ ઈથેનોલ મિશ્રણ પર વાહન ચલાવવા માટે એન્જિનમાં ફેરફાર કરવો જરૂરી છે. સરકારની યોજના મુજબ, હાલના વાહનો માટે E20 ઈંધણ આખા દેશમાં સામાન્ય રીતે મળતું રહેશે, જ્યારે E85 અને E100 જેવા વિકલ્પો માત્ર ‘ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન’ ધરાવતા વાહનો માટે જ ઉપલબ્ધ હશે. ટુ-વ્હિલર અને રિક્ષામાં આ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી પહેલા થવાની શક્યતા છે, ત્યારબાદ ફોર-વ્હિલર અને ભારે વાહનોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરાશે.

    નવા નિયમો હેઠળ ૩૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા નાના ટ્રક અને લોડિંગ ટેમ્પોને પણ આ ઉત્સર્જન ધોરણો હેઠળ આવરી લેવામાં આવશે. મંત્રાલયે ગ્રોસ વ્હીકલ વેઈટની મર્યાદા ૩૦૦૦ કિલોથી વધારીને ૩૫૦૦ કિલો કરવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, હાઈડ્રોજન મિશ્રિત CNG (HCNG) સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સરકાર ભવિષ્યમાં હાઈડ્રોજન ઈંધણ પર પણ મોટો દાવ લગાવી રહી છે.

    હાલમાં આ ડ્રાફ્ટ નોટિફિકેશન પબ્લિક કોમેન્ટ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સામાન્ય જનતા અને ઓટોમોબાઈલ ઉદ્યોગના નિષ્ણાતો આગામી દિવસોમાં આ અંગે પોતાના સૂચનો આપી શકશે. તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ સરકાર આ નિયમોને અંતિમ મંજૂરી આપશે. જો બધું યોજના મુજબ ચાલ્યું, તો ભારત વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થઈ જશે જ્યાં વાહનો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ ઈથેનોલ પર દોડતા હશે.