પાકિસ્તાન પાયમાલ! અમેરિકા-ઈરાન યુદ્ધમાં શાહબાઝ શરીફનું સરેન્ડર, કહ્યું- "અમારું અર્થતંત્ર લકવાગ્રસ્ત થઈ ગયું"
-
ઓઈલ બિલ 30 કરોડથી વધીને 80 કરોડ ડોલર થયું- બે વર્ષના તમામ આર્થિક સુધારા યુદ્ધની આગમાં ધૂળમાં મળ્યા
-
ઉર્જા સંકટ ઘેરાયું- તેલ બચાવવા દેશમાં 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ; મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં પણ કાપ
-
બીજા રાઉન્ડની વાતચીતનો અમેરિકા-ઈરાનનો ઈનકાર- આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગતા પાકિસ્તાની પીએમ
ઈસ્લામાબાદ: પહેલેથી જ આર્થિક પાયમાલી અને દેવાના ડુંગર નીચે દબાયેલું પાકિસ્તાન હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સંપૂર્ણપણે પતન તરફ ધકેલાઈ ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અત્યંત લાચારી સાથે સ્વીકાર્યું છે કે આ યુદ્ધે પાકિસ્તાનના અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધું છે. શરીફના મતે, પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા મેળવવા અને અર્થતંત્રને પાટા પર લાવવા જે પણ પ્રયત્નો કર્યા હતા, તે આ યુદ્ધની જ્વાળાઓમાં રાખ થઈ ગયા છે.
આ સંકટનું સૌથી મોટું કારણ તેલની આયાતમાં થયેલો અસહ્ય વધારો છે. શાહબાઝ શરીફે ખુલાસો કર્યો કે યુદ્ધ પહેલા પાકિસ્તાન તેલની આયાત પર અઠવાડિયે ૩૦ કરોડ યુએસ ડોલર ખર્ચતું હતું, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ભડકે બળતા હવે આ ખર્ચ વધીને અઠવાડિયે ૮૦ કરોડ ડોલર પર પહોંચી ગયો છે. પાકિસ્તાન જેવી કંગાળ હાલત ધરાવતી અર્થવ્યવસ્થા માટે આટલો મોટો ખર્ચ ઉઠાવવો અશક્ય બની ગયો છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દેશના ઉર્જા અને નાણા મંત્રાલયે લાલબત્તી ધરી છે. પાકિસ્તાન પાસે હવે માત્ર ૫ થી ૭ દિવસ ચાલે તેટલો જ કાચા તેલનો જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી એક અઠવાડિયામાં તેલનો નવો જથ્થો નહીં મળે, તો આખું પાકિસ્તાન થંભી જશે. તેલ બચાવવા માટે સરકારે લોકોને 'વર્ક ફ્રોમ હોમ' કરવાની સલાહ આપી છે અને વીજળીના વપરાશ પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. એટલું જ નહીં, સરકારી ખર્ચ ઘટાડવા માટે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના પગારમાં પણ કાપ મૂકવાની ફરજ પડી છે.
શાહબાઝ શરીફ હવે આ યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે અત્યંત બેતાબ છે, કારણ કે યુદ્ધ ચાલુ રહેવું પાકિસ્તાન માટે આત્મઘાતી સાબિત થઈ રહ્યું છે. જોકે, પાકિસ્તાનની આ લાચારીની વિશ્વમાં કોઈ નોંધ લેવાઈ રહી નથી. અમેરિકા અને ઈરાન બંનેએ અત્યારે વાતચીતનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. શરીફે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન એકલું આ વૈશ્વિક સંકટનું સમાધાન લાવી શકે તેમ નથી અને જો આંતરરાષ્ટ્રીય સમુદાય મદદ નહીં કરે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.
નિષ્ણાતોના મતે, પાકિસ્તાન પહેલેથી જ આઈએમએફ (IMF) ના બેલઆઉટ પેકેજ પર નભે છે, તેવામાં આ યુદ્ધ પાકિસ્તાન માટે 'છેલ્લા ખીલા' સમાન સાબિત થઈ શકે છે. જો હોર્મુઝની ખાડીમાં તણાવ વધશે અને તેલનો પુરવઠો સંપૂર્ણ ઠપ્પ થશે, તો પાકિસ્તાનમાં જનતાનો આક્રોશ અને અંધાધૂંધી વધવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે પાકિસ્તાન પાસે માત્ર દુનિયા સામે હાથ ફેલાવવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.