Loading Please Wait !!!
અમદાવાદમાં NEET ના વિદ્યાર્થીનો આપઘાત: 3 દિવસ પહેલા છલાંગ લગાવી

  • ન્યૂ રાણીપના ફ્લેટમાં 17 વર્ષના વિદ્યાર્થીનું મોત, પરીક્ષા પહેલા કરુણ અંત
  • છઠ્ઠા માળેથી વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ, અમદાવાદમાં સમગ્ર વિસ્તારમાં શોક
  • અમદાવાદમાં ન્યૂ રાણીપના ફ્લેટમાંથી વિદ્યાર્થીનું મોત, શિક્ષણ જગતમાં અરેરાટી

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ એરિસ્ટો આનંદમ ફ્લેટમાં ગત મોડી રાત્રે એક 17 વર્ષીય વિદ્યાર્થી કહાન પટેલે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીએ પોતાના બેડરૂમની બાલ્કનીની જાળી કાપીને નીચે છલાંગ લગાવી હતી, જેમાં ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણ કરવામાં આવતા આસપાસના લોકો એકત્રિત થયા હતા, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સાબરમતી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિદ્યાર્થી NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને તેણે ફાર્મસીનું પણ ફોર્મ ભર્યું હતું. તે તેની માતા અને 13 વર્ષના નાના ભાઈ સાથે રહેતો હતો, જ્યારે પિતા સુરતમાં ક્રિમિનલ વકીલ તરીકે કાર્યરત છે. માતા-પિતા છેલ્લા 3 વર્ષથી અલગ રહેતા હોવાની વિગતો મળી છે. વિદ્યાર્થી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને વર્ષ 2025માં ધોરણ 12ની પરીક્ષામાં 85 ટકા મેળવ્યા હતા. ચાલુ વર્ષે NEET માં સારું પરિણામ આવ્યા બાદ પણ તે ફરી પરીક્ષા આપવા માટે સખત મહેનત કરી રહ્યો હતો.

વિદ્યાર્થી એક ખાનગી કોચિંગ ક્લાસમાં જતો હતો, જ્યાં શિસ્તના ભાગરૂપે સોશિયલ મીડિયાથી દૂર રહેવા મોબાઈલ જમા રાખવામાં આવતો હતો. પોલીસે સમગ્ર મામલે ગહન તપાસ શરૂ કરી છે અને મૃતકનું લેપટોપ કબજે કર્યું છે, જેમાંથી કોઈ મહત્વના પુરાવા મળે તેવી આશા છે. અત્યાર સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાથી ન્યૂ રાણીપ વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને પોલીસ હવે આત્મહત્યાના કારણો શોધવા માટે પરિવારજનો અને કોચિંગ ક્લાસના સંચાલકોની પૂછપરછ કરશે.

આત્મહત્યાના કેસની મહત્વની વિગતો અમદાવાદના ન્યૂ રાણીપમાં 17 વર્ષના તેજસ્વી વિદ્યાર્થી કહાન પટેલે છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. તે ધોરણ 12માં 85 ટકા સાથે પાસ થયો હતો અને NEET ની તૈયારી કરતો હતો. વિદ્યાર્થી માતા અને ભાઈ સાથે રહેતો હતો, જ્યારે પિતા સુરતમાં રહે છે. પોલીસને ઘટનાસ્થળેથી મૃતકના ચશ્મા મળી આવ્યા છે. વિદ્યાર્થીના લેપટોપ દ્વારા તપાસના સંકેતો મળી રહ્યા છે, જે પોલીસ માટે મહત્વના સાબિત થશે.