ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે એફએસએસએઆઈ દ્વારા કડક કાર્યવાહી!
-
૧૦૦% શુદ્ધ અને ૧૦૦% ઓર્ગેનિક જેવા ભ્રામક લેબલ હવે લગાવી શકાશે નહીં.
-
એપલ વિનેગાર, નારિયેળ તેલ, ગાયનું ઘી અને નારિયેળ દૂધ જેવા ઉત્પાદનો સામેલ છે.
-
અગાઉ સૂચના આપવા છતાં ગંભીરતાથી પ્રતિભાવ ન આપતા આ પગલું લેવાયું છે.
સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈ, દેશમાં ખાદ્ય ચીજોની ગુણવત્તા સાથે થતી બાંધછોડ અને શુદ્ધતાના નામે થતા કૃત્રિમ વેચાણ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI) દ્વારા અત્યંત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ નિયમનકારી પગલાં હેઠળ વિખ્યાત એફએમસીજી કંપની ડાબરને તેના મધ અને ગાયના ઘી સહિતના ઉત્પાદનો પરથી '૧૦૦% શુદ્ધ' તેમજ '૧૦૦% ઓર્ગેનિક' જેવા લેબલો દૂર કરવાનો સખત આદેશ આપવામાં આવ્યો છે. હવે કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા આવા દાવાઓ કરી શકશે નહીં.
આ આદેશ હેઠળ ડાબર મધ, એપલ સાઈડર વિનેગર, નારિયેળ તેલ (કોપરા), ગાયનું ઘી, નારિયેળ પાણી અને નારિયેળનું દૂધ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અગાઉ ડાબર-હીપાલાઈન ઓર્ગેનિક એપલ વિનેગાર અને ઓર્ગેનિક મધમાં જૈવિક ભારત હોવાના દાવા થતા હતા તેમજ કોકોનેટ મિલ્કને ૧૦૦% પ્યોર ગણાવાતું હતું. અગાઉ પણ કંપનીને આ શબ્દોનો ઉપયોગ ન કરવા જણાવાયું હતું, પરંતુ કંપની દ્વારા કોઈ ગંભીર પ્રતિભાવ ન આપવામાં આવતા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિયમનના ભાગરૂપે ડાબરે આ પ્રકારના ૧૦૦% શુદ્ધતાના દાવા કરતા તમામ ઉત્પાદનો તાત્કાલિક વેચાણમાંથી પાછા ખેંચી લેવા પડશે અને આગામી ૧૫ દિવસની અંદર આ અંગેનો વિગતવાર રિપોર્ટ સબમિટ કરવો રહેશે.
ખાદ્ય પદાર્થોના બજારોમાં ગ્રાહક સુરક્ષા અને પારદર્શિતા જાળવવા માટે રેગ્યુલેટર દ્વારા લેવાયેલ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.