અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોતાના જ દેશના ૨૫ રાજ્યોએ ખોલ્યો મોરચો!
-
આ ટેરિફના પગલે અમેરિકી પરિવારો તથા વ્યવસાયો પર આર્થિક બોજ વધવાની દલીલ કરાઈ છે.
-
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાથી વિપરીત બળજબરીપૂર્વકનો ટેક્સ લાદ્યાનો આક્ષેપ છે.
-
૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો અગાઉ ઉપયોગ કરાયો હતો.
સિટી ન્યુઝ @ વાશિંગ્ટન
વાશિંગ્ટન, દુનિયાભરમાં ટેરિફ વોર શરુ કરનારા અને વિવિધ નિર્ણયોથી અમેરિકામાં જ ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે પોતાના જ દેશના ૨૫ રાજ્યોએ મોરચો ખોલી દીધો છે. ભારત સહિત ૬૦ દેશો પર નવા ટેરિફ લાદવાના વિરોધમાં આ રાજ્યોએ અદાલતમાં કેસ દાખલ કર્યો છે અને આ ટેરિફને ગેરકાયદે ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની માંગ કરી છે. આ કદમથી અમેરિકી પરિવારો અને વ્યવસાયો પર આર્થિક બોજ વધુ વધશે તેવી પ્રબળ દલીલ કરવામાં આવી છે.
કેસનું નેતૃત્વ કરી રહેલા ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસ હાર્યા પછી પણ વહીવટીતંત્ર ફરી એકવાર નવા ટેરિફ દ્વારા સામાન્ય પરિવારો અને વ્યવસાયો પર ગેરકાયદેસર કરનો બોજ લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને વેગ મળશે, જેના ભાગરૂપે અગાઉ ૧૯૭૭ના આક્ટનો ઉપયોગ કરાયો હતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સરકાર પાસે આ પ્રકારે ટેરિફ લાદવાની સત્તા નથી, જેથી કામચલાઉ ટેરિફ પૂરો થતાં હવે ૧૯૭૪ના વેપાર કાયદાની કલમ ૩૦૧ હેઠળ નવા ટેરિફ લાગુ કરાયા છે.
દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ સરકારના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ ટેરિફ સંપૂર્ણપણે કાયદેસર રીતે યોગ્ય અને વાજબી પગલું છે, જે અમેરિકન વ્યવસાયો અને કામદારોના હિતમાં લેવામાં આવ્યું છે.
આ કાનૂની લડાઈથી અમેરિકાની આંતરિક રાજનીતિ અને વૈશ્વિક વેપાર સમીકરણોમાં મોટો ગરમાવો આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નીતિઓ
દેશો વચ્ચેના વ્યાપારી કરારો અને ટેરિફ નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધોને સીધી રીતે પ્રભાવિત કરતી હોય છે.