Loading Please Wait !!!
એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે કમાન!

 

  • એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાંથી જ મુખ્ય ખેલાડીઓને જાળવી રખાયા છે.

  • આ ટુર્નામેન્ટ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરના મધ્ય સુધી યોજાવાની ધારણા છે.

  • એશિયન ગેમ્સ આગામી ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન જાપાનમાં યોજાશે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, એશિયા કપ ૨૦૨૬ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર આ આગામી ટુર્નામેન્ટમાં ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. પસંદગીકારોએ અગાઉની એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાંથી જ મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં માત્ર એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પસંદગી અંગે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારવા છતાં યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર રાખવાનો છે, અને તેના બદલે પસંદગીકારોએ ૧૮ વર્ષીય જી. કમલિની પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે.

એશિયન ગેમ્સ ટીમમાંથી એકમાત્ર ફેરફાર શ્રેયંકા પાટિલની ગેરહાજરી છે, જે હાલમાં ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન થયેલી પગની ઘૂંટીના લિગામેન્ટની ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે. એશિયા કપનું ચોક્કસ શેડ્યૂલ હજુ જાહેર થયું નથી, પરંતુ આ ટુર્નામેન્ટ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરના મધ્ય સુધી યોજાવાની ધારણા છે. આ પછી તરત જ એશિયન ગેમ્સ ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન જાપાનમાં રમાશે, જેમાં ભારતીય ટીમના ચાર અગ્રેસર ખેલાડીઓ સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ હાલ ઇંગ્લેન્ડમાં 'ધ હન્ડ્રેડ' લીગમાં ભાગ લઈ રહ્યા છે.

એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, પ્રેમા રાવત, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ, એન. શ્રી ચરાણી અને નંદની શર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રતિકા રાવલ, ઉમા છેત્રી, વૈષ્ણવી શર્મા, સયાલી સતઘરે અને મિનુ મણિને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

પ્રેમા રાવતને વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે ૨ બોલમાં અણનમ ૩ રન બનાવી ૨ ઓવરમાં ૨૧ રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની પરાજય બાદ ભારત વર્લ્ડ કપમાંથી બહાર થયું હતું, અને હવે આગામી ટુર્નામેન્ટમાં ટીમ સારા પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી રહી છે.

સમગ્ર ટીમનું આ સંતુલન આગામી એશિયા કપમાં ભારતની જીતની સંભાવનાઓને વધુ મજબૂત બનાવશે તેવી રમતપ્રેમીઓમાં આશા વ્યક્ત થઈ રહી છે.