અમદાવાદમાં ડી કંપની સ્ટાઇલથી ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર એસએમસીના દરોડા!
-
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુર વિસ્તારમાં આવેલી ક્લબ પર રેડ પાડી.
-
પ્રતિ ટેબલ દીઠ ૧૫ થી ૩૦ હજાર રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું.
-
હાર-જીતની રકમ માટે ખાસ કોડવર્ડ અને ચિઠ્ઠી પદ્ધતિ અપનાવાતી હતી.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં 'ડી કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે આ ક્લબ પર દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત ૧૮૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આટલી મોટી સંખ્યામાં પકડાયેલા આરોપીઓને પોલીસની ૪ મોટી બસ ભરીને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
તપાસમાં ખૂલ્યું છે કે મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચલાવવા માટે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા દ્વારા અલગ-અલગ વ્યક્તિઓને ટેબલ ભાડે આપવામાં આવતા હતા. પ્રતિ ટેબલ દીઠ ૧૫ થી ૩૦ હજાર રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું અને ૨૦૦૦ રૂપિયાની ક્લબની મેમ્બરશીપ આપીને ગ્રાહકોને બોલાવાતા હતા. આ સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે રોકડ રકમ સીધી સ્વીકારવાને બદલે આંગડિયા પેઢીઓ દ્વારા હવાલા અને ખાસ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચિઠ્ઠીઓમાં રકમ દર્શાવવા માટે બે ઝીરો ઓછા લખવાની પદ્ધતિ રાખવામાં આવી હતી.
માધુપુરા અને કાલુપુર ખાતે આવેલી પી.એમ., આર.કે., રમેશ કાંતિ અને એચ.આર. જેવી આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની લેવડદેવડ અને હવાલા કરાવાતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ક્લબના સંચાલનમાં ગામા પટેલ, બંદીશ ખત્રી અને ભરત પટેલ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ ૬ જુલાઈ ૨૦૨૧ના રોજ પણ આ જ જગ્યાએ એસએમસીએ રેડ પાડીને ૧૮૩ લોકોને ઝડપી પાડ્યા હતા, છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેરની અન્ય એજન્સીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ અગાઉના પ્રકરણમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી અંગે એસીબી તપાસ પણ કાગળ પર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ નવી કાર્યવાહીથી પોલીસબેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.