Loading Please Wait !!!
ગુજરાત માટે સારા સમાચાર: નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર ૧૩૨ મીટર પાર, ડેમ ૭૮.૩૫ ટકા ભરાયો!

 

  • ડેમમાં કુલ ૯૪૬૦ MCMની ક્ષમતા સામે ૭૪૧૨ MCM પાણી સંગ્રહાયેલું છે.

  • ડેમની વર્તમાન સપાટી ૧૩૨.૧૦ મીટર અને મહત્તમ ક્ષમતા ૧૩૮.૬૮ મીટર છે.

  • હાલ ડેમમાં પાણીની આવક ૪૬૩૭૫ ક્યુસેક છે અને ૧૯૮૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ, ગુજરાત માટે રાહતના અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે, જેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ચોથી ઓગસ્ટની સ્થિતિ મુજબ ડેમ ૭૮.૩૫ ટકા ભરાયેલો છે અને ડેમની વર્તમાન જળસપાટી ૧૩૨.૧૦ મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં કુલ ૯૪૬૦ MCMની ક્ષમતા સામે ૭૪૧૨ MCM પાણી સંગ્રહાયેલું છે, જ્યારે ડેમની મહત્તમ ક્ષમતા ૧૩૮.૬૮ મીટર છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં આશરે ૧ મીટરનો વધારો નોંધાયો છે અને હાલ ડેમમાં પાણીની આવક ૪૬૩૭૫ ક્યુસેક છે તથા ૧૯૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ ડેમમાં કુલ ૬૮.૫૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવરને બાદ કરતા રાજ્યના ૨૦૬ ડેમમાં ૬૨.૬૩ ટકા પાણી છે, જેમાંથી ૨૭ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે અને ૩૪ ડેમ હાઈએલર્ટ પર છે કારણ કે તેમાં ૯૦ ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઝોનવાઈઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ૪૧.૯૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૩.૪૫ ટકા, કચ્છમાં ૨૫.૪૯ ટકા અને સૌરાષ્ટ્રના ડેમોમાં ૫૨.૯૪ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી કુલ ૬૯.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે સૌથી વધુ ૯૫.૭૪ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો ૨૯.૦૫ ટકા વરસાદ કચ્છમાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૯૯ ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં માત્ર ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૩૮ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે ૮૪ તાલુકામાં હજુ ૫૦ ટકા વરસાદ પણ નોંધાયો નથી.

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા ભાગોમાં હજુ પણ સારા વરસાદની અછત વર્તાઈ રહી છે.

જળસંપત્તિ અને મોસમ

રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો સંતોષવામાં મોટી રાહત મળશે.