Loading Please Wait !!!
USMCA વેપાર કરાર જોખમમાં: ટ્રમ્પના ટેરિફ સામે કેનેડાએ ખોલ્યો આર્થિક મોરચો

 

  • વોશિંગ્ટન અને ઓટાવા વચ્ચેની વાટાઘાટો પડી ભાંગતાં 8 સપ્ટેમ્બર મધ્યરાત્રિથી નવા દર અમલી બન્યા

  • 27.6 અબજ કેનેડિયન ડોલરના મૂલ્યની સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર જેવી ચીજો પર 15% થી 50% ટેરિફ

  • મિશિગન અને ઓહાયો જેવા અમેરિકી ઔદ્યોગિક રાજ્યો પર આર્થિક દબાણ લાવવા કેનેડાની વ્યુહરચના

સિટી ન્યુઝ @ ઓટાવા

અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો વેપાર વિવાદ હવે સંપૂર્ણ ટ્રેડ વોરમાં ફેરવાઈ ગયો છે. વોશિંગ્ટન અને ઓટાવા વચ્ચે ચાલેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો અનિર્ણિત અને નિષ્ફળ રહ્યા બાદ કેનેડાએ આક્રમક વલણ અપનાવી અમેરિકા સામે 'જેવા સાથે તેવા' ની નીતિ અપનાવી છે. કેનેડા સરકારે 600થી વધુ અમેરિકી ઉત્પાદનો પર 15% થી લઈને 50% સુધીનો આકરો જવાબી ટેરિફ 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ 12:01 વાગ્યાથી સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે.

આ નવા ટેરિફના દાયરામાં અમેરિકાથી આયાત થતી કુલ 629 જેટલી વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું વાર્ષિક આયાત મૂલ્ય આશરે 27.6 અબજ કેનેડિયન ડોલર (અંદાજે 20 અબજ યુએસ ડોલર) જેટલું થાય છે. આ યાદીમાં મુખ્યત્વે સ્ટીલ, ઘરવપરાશનું ફર્નિચર, તૈયાર વસ્ત્રો (કપડાં) તેમજ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સાધનો સામેલ છે. અગાઉ 874 વસ્તુઓ પર ડ્યુટી લાદવાની દરખાસ્ત હતી, પરંતુ સ્થાનિક બજાર અને સીફૂડ ઉદ્યોગના હિતોને ધ્યાનમાં રાખી સુધારો કરીને 629 વસ્તુઓની આખરી યાદી મંજૂર કરવામાં આવી છે.

કેનેડાના વડાપ્રધાને દેશવાસીઓ અને ઉદ્યોગપતિઓને અમેરિકી બજાર પરની અતિશય નિર્ભરતા ઘટાડવા માટે સત્તાવાર આહવાન કર્યું છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દેશ પોતાની આર્થિક દિશા બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. આ નીતિગત ફેરફાર માટે શરૂઆતમાં થોડી કિંમત ચૂકવવી પડશે, પરંતુ ચૂપચાપ બેસી રહેવાના પરિણામો દેશ માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. કેનેડાના આ વળતા પ્રહારનો મુખ્ય હેતુ મિશિગન અને ઓહાયો જેવા અમેરિકાના મહત્વના ઉત્પાદક રાજ્યો પર આર્થિક અને રાજકીય દબાણ લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વાઇન, ડેરી પ્રોડક્ટ્સ, સિમેન્ટ અને સ્પોર્ટ્સ સામગ્રી જેવા $20 અબજના માલસામાન પર એકતરફી ટેરિફ ઝીંક્યો હતો, જેના વળતા જવાબરૂપે કેનેડાએ આ પગલું ભર્યું છે. કેનેડા પોતાની કુલ નિકાસનો લગભગ 68% હિસ્સો અમેરિકા મોકલે છે. બીજી તરફ, ટ્રમ્પે કેનેડાના વિખ્યાત બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર વધુ ટેરિફ ઠોકી બેસાડવાની ધમકી આપતાં ઉત્તર અમેરિકાના ત્રિપક્ષીય USMCA વેપાર કરારના અસ્તિત્વ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ટ્રમ્પના ટેરિફ સામે કેનેડાનો વળતો પ્રહાર

વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ કેનેડાએ અમેરિકાની 629 વસ્તુઓ પર 15% થી 50% સુધીનો જવાબી ટેરિફ લાગુ કર્યો છે. આશરે $20 અબજના સ્ટીલ, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ સામાન પર આ કર લાદીને કેનેડાએ અમેરિકી ઉદ્યોગો પર દબાણ ઊભું કર્યું છે. કેનેડાએ નાગરિકોને યુએસ પર નિર્ભરતા ઘટાડવા અપીલ કરી છે, જ્યારે ટ્રમ્પે વધુ ટેરિફની ચેતવણી આપી છે.