અમેરિકા-ઈરાન વચ્ચે 'ઓઇલ વોર' ભડકી: અમેરિકાએ ખાર્ગ ટાપુ પાસે 5 ઈરાની ઓઇલ ટેન્કર ફૂંકી માર્યા
-
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ની જવાબી કાર્યવાહી: બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા બાદ લીધો બદલો
-
કાવીઝ, ચારમિનાર, હોરાઇઝન-1 સહિતના 5 ટેન્કરો પર એરસ્ટ્રાઇક પહેલાં ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત કઢાયા
-
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની ગેરકાયદે તેલ કમાણી રોકવા અમેરિકાએ ઓઇલ નેટવર્ક તોડી પાડ્યું
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધા સૈન્ય અને આર્થિક ટકરાવમાં પરિણમ્યો છે. ઈરાન દ્વારા અમેરિકન નૌકાદળના યુદ્ધજહાજ પર વારંવાર બેલેસ્ટિક મિસાઈલ હુમલાના પ્રયાસો બાદ, અમેરિકાએ વળતો આકરો પ્રહાર કરતાં ઓમાનની ખાડી અને વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ નજીક ઈરાન સાથે જોડાયેલા 5 વિશાળ ઓઈલ ટેન્કરોને બોમ્બમારો કરી સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. આ ભીષણ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વના ખાડી પ્રદેશમાં પૂર્ણ કક્ષાના યુદ્ધ જેવો ગંભીર તણાવ સર્જાયો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના સત્તાવાર નિવેદન અનુસાર, ઈરાને છેલ્લા 48 કલાકમાં યુએસ નેવીના જહાજ પર બે વખત બેલેસ્ટિક મિસાઈલો દાગી હતી. જોકે, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હોવાથી અમેરિકન જહાજ આબાદ બચી ગયું હતું. આ ઉશ્કેરણીના જવાબરૂપે અમેરિકન સેનાએ એરસ્ટ્રાઇક કરી ઈરાનના 'M/T Kaviz', 'M/T Charminar', 'M/T Horizon 1', 'M/T Riesco' અને 'M/T Derya' નામના પાંચેય તેલ ટેન્કરોને નકામા બનાવી દીધા હતા. સેનાએ દાવો કર્યો છે કે હુમલો કરતા પૂર્વે તમામ જહાજના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર નીકળી જવાની ચેતવણી અપાઈ હતી.
અમેરિકાના જણાવ્યા મુજબ, આ તમામ જહાજો ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના ગુપ્ત ઓઈલ નેટવર્ક હેઠળ ગેરકાયદે તેલ વેચીને અબજો ડોલરનું ફંડ એકત્ર કરતા હતા, જેનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં થતો હતો. અગાઉ 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ક્રૂડ ટેન્કરો પર કાર્યવાહી કરી હતી.
બીજી તરફ, પોતાના ટેન્કરો તબાહ થતાં ઈરાન લાલઘૂમ થયું છે. IRGC એ સખત ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો અમેરિકા પોતાની હરકતો બંધ નહીં કરે તો કુવૈત અને બહેરીનમાં જ્યાં અમેરિકન નૌકાદળની હાજરી છે તે તમામ બંદરો અને ત્યાં લાંગરેલા તેલ જહાજોને સીધા નિશાન બનાવવામાં આવશે. ઈરાને ત્યાં કામ કરતા સ્ટાફને તુરંત બંદરો છોડી દેવા કહ્યું છે. આ તણાવના કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કમર્શિયલ જહાજોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊછળીને પ્રતિ બેરલ $100 ની સપાટીએ પહોંચી ગયા છે.
અમેરિકાએ ઈરાનના 5 તેલ ટેન્કર ફૂંક્યા
અમેરિકન નેવી પર મિસાઈલ છોડ્યા બાદ અમેરિકાએ ઓમાનની ખાડી અને ખાર્ગ ટાપુ પાસે IRGC સાથે જોડાયેલા ઈરાનના 5 મોટા ઓઈલ ટેન્કરો નષ્ટ કર્યા છે. જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન સ્થિત યુએસ બેઝવાળા પોર્ટ્સ પર હુમલાની ધમકી આપી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થતાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને $100 ની નજીક પહોંચ્યા છે.