હોર્મુઝ પર અમારું નિયંત્રણ, ઇરાનનો કોઈ એક્સક્લુઝન ઝોન નથી: અમેરિકાનો ખુલ્લો દાવો
-
અમેરિકન નેવીએ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરંગો હટાવી તેલ ટેન્કરોની અવરજવર શરૂ કરાવી
-
ટ્રમ્પ પ્રશાસને ઇરાનના એવિએશન સેક્ટરને સમર્થન આપતા 36 એકમો પર લાદ્યા પ્રતિબંધો
-
ઇરાની એરલાઇન્સ સાથે વ્યવહાર કરનાર ગ્લોબલ કંપનીઓ સામે પણ કાર્યવાહીની યુએસની ચીમકી
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકા અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ દાવો કર્યો છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) પર સંપૂર્ણપણે તેમનું નિયંત્રણ છે અને ત્યાં ઇરાનનો કોઈ એક્સક્લુઝન ઝોન અસ્તિત્વમાં નથી. અમેરિકન નેવીએ જણાવ્યું છે કે દરિયાઈ માર્ગમાં ઇરાને બિછાવેલી સુરંગો દૂર કરી દેવામાં આવી છે અને બિન-ઇરાની બંદરો પર ઓઇલ ટેન્કરોની અવરજવર પૂર્વવત્ થઈ રહી છે. ઇરાનની તેલ નિકાસને સંપૂર્ણપણે ડામી દેવાના હેતુથી અમેરિકાએ ઇરાની બંદરોની ઘેરાબંધી વધારી દીધી છે, જે અંતર્ગત 94 કોમર્શિયલ જહાજોના રૂટ બદલવામાં આવ્યા છે અને 3 જહાજોને બિનકાર્યક્ષમ બનાવી દેવાયા છે.
આ લશ્કરી કાર્યવાહીની સાથે અમેરિકાએ ઇરાનના એવિએશન સેક્ટર પર મોટા આર્થિક પ્રતિબંધો ઝીંકી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાન સાથે જોડાયેલી બે ડઝનથી વધુ કોમર્શિયલ તેમજ પ્રાઇવેટ એરલાઇન્સ અને વિદેશી કાર્ગો સર્વિસ પ્રોવાઇડરો પર બાન મૂકી દીધો છે. અમેરિકન નાણા મંત્રાલયે ઇરાની વિમાન ક્ષેત્રને મદદ કરનારા 36 વૈશ્વિક એકમોને બ્લેકલિસ્ટ કર્યા છે અને ચેતવણી આપી છે કે આ એરલાઇન્સ સાથે વેપાર કરનારી કોઈપણ સંસ્થાને વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવશે.
બીજી તરફ, આ દબાણ સામે ઇરાને પોતાની આક્રમક રક્ષા નીતિ જાહેર કરી છે. સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા મોહસીન રઝાઈના જણાવ્યા અનુસાર, ઇરાને સુધારેલી બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા દ્વારા નવો સૈન્ય સિદ્ધાંત અમલમાં મૂક્યો છે, જે હેઠળ સંભવિત હુમલાનો સામનો કરવા ઉપરાંત હુમલો થાય તે પહેલાં જ પૂર્વ-નિર્ધારિત પ્રહાર કરવામાં આવશે. આ વ્યુહરચનામાં આશરે 1,200 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી નવી 'કાસીમ બશીર' મિસાઇલ મહત્વની ભૂમિકા ભજવશે.
દરમિયાન, ઇઝરાયેલી અખબારના અહેવાલમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા ભીષણ આતંકી હુમલાના ગણતરીના દિવસો પહેલાં સંયુક્ત આરબ અમીરાત (UAE) એ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને હમાસના મોટા કાવતરા અંગે ગુપ્ત સૂચના આપી હતી. જોકે, નેતન્યાહુએ વેસ્ટ બેન્ક તરફથી જોખમ હોવાનું માનીને ગાઝાપટ્ટી તરફથી સંભવિત ખતરાને ગંભીરતાથી લીધો નહોતો.
હોર્મુઝ પર નિયંત્રણ અને ઇરાન પર નવા પ્રતિબંધ
અમેરિકાએ હોર્મુઝ પર સંપૂર્ણ પ્રભુત્વ હોવાનો દાવો કરી ઇરાનની તેલ નિકાસ રોકવા બંદરોની ઘેરાબંધી વધુ મજબૂત કરી છે. સાથે જ ઇરાનના એવિએશન સેક્ટરની 24થી વધુ એરલાઇન્સ અને કાર્ગો સર્વિસ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. સામે પક્ષે ઇરાને 1200 કિમીની કાસીમ બશીર મિસાઇલ સાથે જવાબી કાર્યવાહીની તૈયારી દર્શાવી છે. બીજી તરફ, 7 ઓક્ટોબરના હમાસ હુમલા અંગે UAE એ ઇઝરાયેલને અગાઉથી ચેતવણી આપી હોવાનો ખુલાસો થયો છે.