ગુજરાતભરના મેયરો કાલે સુરતમાં !
- ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠકમાં વિકાસની ચર્ચા થશે
- શહેરી વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સંચાલન, નાગરિક સુવિધાઓ અને નગરપાલિકા વહીવટને વધુ સુદ્રઢ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે
- ડિજિટલ ગવર્નન્સ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ કામગીરી અંગે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે
સિટી ન્યૂઝ@સુરત
સુરત શહેરમાં આગામી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની ગુજરાત પ્રદેશ સ્તરની એક દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ બેઠકની મેજબાની કરવામાં આવશે, જેમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓના મેયરો ઉપસ્થિત રહેશે. બેઠકમાં શહેરી વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સંચાલન, નાગરિક સુવિધાઓ અને નગરપાલિકા વહીવટને વધુ સુદ્રઢ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્યભરમાંથી સુરત આવનારા મેયરો માટે બેઠકનું આયોજન સુરતના અદ્યતન ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવશે. અહીં ડિજિટલ ગવર્નન્સ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ કામગીરી અંગે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર નોંધ પાઠવી બેઠકને લઈને જરૂરી વહીવટી અને આષંગિક વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત થનારા મહાનુભાવોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બેઠકમાં આમંત્રિત મેયરોના સુરત આગમનથી લઈને તેમના રોકાણ અને પરિવહન સુધીની વિસ્તૃત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તમામ મહાનુભાવોના રોકાણ માટે સુરત સર્કિટ હાઉસ ખાતે વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ તેમના માટે ભોજનની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સ્થાનિક પરિવહન અને પ્રોટોકોલની વ્યવસ્થા સુધારું રહે તે માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓના મેયરો તથા તેમના કાર્યાલયો સાથે સંપર્ક અને સંકલનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બેઠક સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.