ખેડૂતો, યુવાનો, મોંઘવારી, મહિલા સુરક્ષા, બેરોજગારી અને ડ્રગ્સ સહિતના મુદ્દે સરકાર સામે રજૂઆત
જન આક્રોશ સભા માટે રાજકોટ કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર જવા રવાના
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૯ સપ્ટેમ્બર ગાંધીનગર ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતા સાથે જોડાયેલા વિવિધ જ્વલંત પ્રશ્નો, સરકારની નીતિઓ અને જનહિતને અસર કરતા મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવવા યોજનારી આ સભામાં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ ઈન્ચાર્જ, વિવિધ સેલ-કન્ટલના પ્રમુખો તથા કાર્યકર્તાઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.
કોંગ્રેસ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ, ખેતી ખર્ચમાં વધારો, પેપર લીકની ઘટનાઓ, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, મહિલા સુરક્ષા, વધતી મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સના વધતા દૂષણ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જનતાના અધિકારો, રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા મૂળભૂત પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આ સભા યોજાઈ રહી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, ખેડૂતોને માત્ર વચનો નહીં પરંતુ તેમની મહેનતનું યોગ્ય વળતર અને ન્યાય મળવો જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પેપર લીક જેવી ઘટનાઓથી અગ્રસ્ત થાય છે, તેથી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાંચ તે માટે સરકાર જવાબદારીપૂર્વક પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળે અને તેમની ફરિયાદોનું ઝડપી નિરાકરણ થાય તે મુદ્દે પણ કોંગ્રેસે સરકારને જવાબદાર ગણાવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગાર અને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી સરકારની છે. Gen-Z પેઢી પોતાના અધિકારો અંગે જાગૃત છે, પ્રશ્નો પૂછે છે અને પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટતા માંગે છે. આ પેઢીના અવાજને દબાવવાને બદલે તેને સાંભળવાની અને યોગ્ય તકો આપવાની જરૂર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા મોંઘવારીથી પરેશાન છે, યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને દૂસના વધતા દૂષણને કારણે માતા-પિતામાં પોતાના સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા વધી રહી છે. સામાન્ય પરિવાર માટે ઘરનું ભરણપોષણ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચ અને રોજેંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. સરકાર સુધી જનતાનો અવાજ પહોંચાડવો અને લોકશાહી ઢબે તેમના પ્રશ્નો માટે લડવું કોંગ્રેસની જવાબદારી છે.
તેમણે જણાવ્યું હતું કે જન આક્રોશ સભા કોઈ એક વર્ગનો નહીં પરંતુ ગુજરાતના દરેક નાગરિકના પ્રશ્નો રજૂ કરવાનું માધ્યમ છે. મોંઘવારી, બેરોજગારી, ફુગ્સનું વધતું દૂષણ, મહિલા સુરક્ષા, વંચિત વર્ગો સાથેનો અન્યાય અને યુવાનોના અધિકારો જેવા મુદ્દે કોંગ્રેસ જનતાની સાથે મજબૂતીથી ઊભી રહેશે. રાજકોટ શહેરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાઈ જનતાના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવશે.
આ પ્રસંગે જશવંતસિંહ ભઠી, ડી.પી. ગઢવાણા, ટીપીબેન સોલંકી, નીતિનભાઈ ભેંડેરી, મેહુલ પટેલ, અર્જુનભાઈ ચૌહાણ, ઈબ્રાહીમભાઈ સોરા, સુનિલભાઈ ચાવડીયા, હેમલભાઈ પેસીવાડીયા, સિકંદરભાઈ કાકોરા, રામદેવસિંહ વાઘેલા, હરેશભાઈ ભારાઈ, કપિલભાઈ ગોરવાજી, રાજેન્દ્રસિંહ વાઘેલા, મહેસુરસિંહ ઝાલા, મનસુખભાઈ જાદવ, દીપુબેન રવૈયા, ચંદ્રિકાબેન વરાણીયા, અફઝલભાઈ મેટર, મનસુખભાઈ ગોહિલ અને શરીફભાઈ સોઢા સહિતના આગેવાનો ગાંધીનગર જવા રવાના થયા હતા.